મહાત્મા મંદિર નામ સામે મને વાંધો છે - મહાત્મા ગાંધીના પૌત્ર રાજમોહન ગાંધી

શનિવાર, 31 જાન્યુઆરી 2015 (12:00 IST)
'ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં વારે તહેવારે યોજવામાં આવતા મૂડીપતિઓના મહોત્સવ સામે મારે કોઇ જ સમસ્યા નથી. મારી સમસ્યા માત્ર મહાત્મા મંદિર શબ્દ સામે જ છે. આ સ્થાનને મહાત્મા મંદિર નામ આપવા પાછળનો તર્ક સમજ બહાર છે.' આ શબ્દો મહાત્મા ગાંધીના પૌત્ર રાજમોહન ગાંધીના છે.

અમદાવાદ ખાતે શરૃ થયેલા 'લિટ્રેચર ફેસ્ટિવલ'માં ૮૦ વર્ષીય રાજમોહન ગાંધી અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરમાં કરોડોની કિંમતે તૈયાર થયેલા મહાત્મા મંદિરની કદી પણ મુલાકાત લીધી છે કે કેમ તે વિષે પૂછવામાં આવતા રાજમોહન ગાંધીએ જણાવ્યું હતું કે 'મેં માત્ર બહારથી જ મહાત્મા મંદિર જોયું છે. નીખાલસપણે કહું તો આ સ્થળને આપવામાં આવેલા મહાત્મા મંદિર  નામ સામે જ મને વાંધો છે. '

તાજેતરમાં ગાંધીનગર ખાતે યોજાયેલા 'પ્રવાસી ભારતીય દિવસ'માં મહાત્મા ગાંધીના કોઇ પણ વારસદારોને આમંત્રણ આપવામાં નહીં આવતા વિવાદ સર્જાયો હતો. આ વિષે સ્પષ્ટતા કરતા રાજમોહન ગાંધીએ જણાવ્યું હતું કે 'પ્રવાસી ભારતીય દિવસ વખતે મને સરકાર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ વ્યસ્તતાને કારણે હું તેમાં ઉપસ્થિત રહી શક્યો નહોતો. ' આજના ઘણા યુવાનો મહાત્મા ગાંધી કરતા સરદાર વલ્લભભાઇ પટેલને વધુ સારા નેતા ગણાવે છે. આ વિષે પ્રતિક્રિયા વ્યક્ત કરતા રાજમોહન ગાંધીએ જણાવ્યું હતું કે 'આ પ્રકારની પ્રતિક્રિયા વ્યક્ત કરનારાઓ મહાત્મા ગાંધી કે સરદાર વલ્લભભાઇ પટેલ કોઇ વિષે પાંચ ટકા માહિતી ધરાવતા હોતા નથી. કોઇ પણ વિષે અભિપ્રાય વ્યક્ત કરતા પહેલા તેના વિષે પૂરતું જાણવું જોઇએ. મને મારા દાદા મહાત્મા ગાંધી પાસેથી સૌથી વધુ કોઇ ગુણ શીખવા મળ્યો હોય તો એ છે કે કોઇ પણ પરિસ્થિતિમાં મગજને શાંત રાખો. દુશ્મન સાથે પણ સંવાદ સાધવાથી તેની સાથેના મતભેદ દૂર કરી શકાય છે.'

મહાત્મા ગાંધીનો બ્રહ્મચર્યનો સિદ્ધાંત પાળવો કેટલે અંશે વ્યાજબી છે તે વિષે રાજમોહન ગાંધીએ જણાવ્યું હતું કે 'મહાત્મા ગાંધી જે ચુસ્તતાથી આ સિદ્ધાંતનું પાલન કરતા તેની સામે તે સમયે પણ ઘણા અસંમત હતા અને આજે તેનાથી સંમત હોય તેવો બહોળો વર્ગ છે. બ્રહ્મચર્યના સિદ્ધાંતનું આજના સમયના લોકોમાં અનુકરણ કરવું મુશ્કેલ છે. આ ઉપરાંત તમારે જીવનના દરેક ડગલેને પગલે મહાત્મા ગાંધી મારા સ્થાને હોત તો કેમ નિર્ણય લેત તેમ સતત વિચારવાની જરૃર નથી. ઘણી વાર તમારું હૃદય કહે તેને અનુસરીને પણ નિર્ણય લો. મહાત્મા ગાંધીના સત્ય બોલવાના સિદ્ધાંતનું પાલન કરો તે જરૃરી છે. સત્યનો માર્ગ કઠીન ચોક્કસ છે પણ અશક્ય નથી જ.'

વેબદુનિયા પર વાંચો