ભાજપ એટલે માત્ર નરેન્દ્ર મોદીઃ સ્થાપના દિનની ઉજવણીમાં પાયાના પથ્થરોને યાદ પણ ન કર્યા

સોમવાર, 7 એપ્રિલ 2014 (14:33 IST)
W.D


હાલમાં માત્ર ગુજરાત જ નહીં બલકે સમગ્ર દેશમાં ભાજપ એટલે માત્ર નરેન્દ્ર મોદી. આવી સ્થિતિમાં ભાજપ દ્વારા તેમના સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભાજપનો દેશ કક્ષાએ જેમનો ફાળો હતો તેવા સ્થાપકોને ભાજપે આજે યાદ પણ નહોતા કર્યા. ગુજરાતમાં ભાજપનો પાયો નાખનારા કેશુભાઈ પટેલ, કાશીરામ, સુરેશ મહેતા, નાથાલાલ જગડા જેવા અનેક પાયાના પથ્થરોને યાદ કરવાનું પણ ભાજપના નેતાઓએ સૌજન્ય નહોતું દાખવ્યું. ભાજપના સ્થાપનાદિનની ઉજવણીના કેન્દ્ર સ્થાને માત્ર નરેન્દ્ર મોદી રહ્યા હતા. ભાજપની સ્થાપના વખતે તેઓ સંઘના પ્રચારક તરીકે જવાબદારી વહન કરતાં હતા. અને તે સમયે ખરેખર જેમણે લોહી-પાણી એક કરીને ભારતીય જનતા પક્ષની સ્થાપના કરી તેવા આદ્યસ્થાપકોને યાદ કરવાનું સૌજન્ય દાખવવાનું પણ ભાજપ આજે ચુકી ગયું હતું.

રાષ્ટ્રી કક્ષાએ ભાજપની સ્થાપનામાં અહમ ભૂમિકા ભજવનારાઓમાં રાજમાતા સિંધિયા, અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, કુશાભાઉ ઠાકરે, સુંદરસિંહ ભંડારી, નાનાજી દેશમુખ, મુરલી મનોહર જોષી, જગન્નાથરાવ જોષી, જે.પી. માથુર જેવા નેતાઓ અગ્રેસર હતા. તેઓએ પોતાની જાત ઘસી નાખીને પક્ષની સ્થાપના કરી હતી. આમ છતાં દિલ્હીમાં નરેન્દ્ર મોદીએ ઉપસ્થિત રહીને માત્ર વાજપેયી, અડવાણી, કુશભાઉ અને ભંડારીનો ઉલ્લેખ કરી સંતોષ માની લીધો હતો. તે સિવાયના અન્ય નેતાઓને યાદ કરવાનું કે તેમને યથોચિત સન્માનજનક રીતે શ્રેય આપવાનું પણ નરેન્દ્ર મોદીને યોગ્ય લાગ્યું નહોતું.આવી જ રીતે ગુજરાતમાં ભાજપનો પાયો નાખનારા કેશુભાઈ પટેલ, કાશીરામ રાણા, ચિમનભાઈ પટેલ, નાથાલાલ જગડા, મકરંદ દેસાઈ, શંકરસિંહ વાઘેલા, હરિસિંહ ગોહિલ અને સુરેશ મહેતા જેવા નેતાઓ હતા. આ નેતાઓ પૈકી કેશુભાઈ પટેલ હાલ ખુણામાં ધકેલાયેલા છે. સુરેશ મહેતા અને શંકરસિંહ વાઘેલા ભાજપની સામે છે. બાકીના અન્ય નેતાઓના નિધન થઈ ચુક્યા છે.

ગુજરાત ભાજપે સ્થાપના દિનની ઉજવણીમાં ઘંટારવ, હાથમાં મહેંદી લગાવવી, ઘરો પર ભાજપની ઝંડીઓ લગાવી અને નરેન્દ્ર મોદી ફોર પીએમ લખેલી ટોપીઓ પહેરીને સંતોષ માની લીધો હતો. ભાજપના એકપણ નેતાને ગુજરાત ભાજપના ઉક્ત સ્થાપકો યાદ આવ્યા નહોતા. ખુદ નરેન્દ્ર મોદીએ પણ ગુજરાત ભાજપના સ્થાપકો વિસારે પાડી દીધા હોય તેમ કોઈને યાદ કર્યા નહોતા. જો ઉક્ત સ્થાપકોએ તેમનું લોહી-પાણી એક કરીને પાર્ટીની સ્થાપના ન કરી હોત, સ્થાપના બાદ પાર્ટીનું જતન ન કર્યું હોત તો ગુજરાતમાં ભાજપને સત્તાના ફળ હજુ સુધી ચાખવા ન મળ્યાં હોત. પરંતુ ગુજરાત ભાજપના નેતાઓ નરેન્દ્ર મોદીની ખુશામત કરવામાંથી ઉંચા ન આવતાં હોવાથી તેઓ પાર્ટીના આદ્ય સ્થાપકોને યાદ કરવાનું સૌજન્ય પણ દાખવી શક્યા નહોતા.

વેબદુનિયા પર વાંચો