દેશમાં મધ્યમવર્ગને ગાડી લેવાનું સપનું દેખાડનાર રતન ટાટાની એક લાખની નેનોનું ભવિષ્ય અત્યારે અંધકારમય છે. પણ ખરેખર તો નેનોનાં કારખાનાને બંગાળ બહાર જવા મજબુર કરીને, પશ્ચિમ બંગાળે પોતાનાં પગ જ કુહાડો માર્યો છે. રતન ટાટાએ તો ફેક્ટરી બંધ કરીને, નવી જગ્યા શોધવાનું કામ શરૂ કરી દીધું છે.
જો કે રાજ્યપાલની દરમિયાનગીરીથી બેઠકોનો દોર ચાલે છે. પણ મમતાની મમત અને રતન ટાટાને બંગાળમાંથી રસ ઉઠી જતાં પરિણામ સકારાત્મક આવે, તેવી કોઈ સંભાવના નથી. અને, જો નકારાત્મક નિર્ણય આવ્યો તો રાજ્યને કોઈ પ્રગતિનાં પંથે લાવી શકશે નહીં. રતન ટાટાએ સહન કર્યું છે, તે બીજો કોઈ સહન ન કરી શકે. તેમણે લાંબા સમય સુધી ધીરજ ધરીને સમસ્યાનો ઉકેલ આવે, તે માટે પ્રયત્નો કર્યા. પણ આખરે નિર્ણય નકારાત્મક જ આવ્યો.
પશ્ચિમ બંગાળની ઔદ્યોગિક દ્રષ્ટિએ બહુ સારી હાલત નથી. ટાટાએ એ જ વિચારીને નેનોનો પ્લાન્ટ સિંગુરમાં નાંખ્યો હતો કે ભવિષ્યમાં પરિસ્થિતિ બદલાઈ જશે.
80,000 કરોડનું નુકસાનઃ જાણકારોનાં જણાવ્યા મુજબ જો નેનો સિંગુરમાંથી હટી જશે તો, પશ્ચિમ બંગાળમાં આવનારા રૂ.80 હજાર કરોડનાં પ્રોજેક્ટો પર પ્રશ્નાર્થ લાગી જશે. ટાટાનાં જવાથી તાત્કાલિક રૂ.5000 કરોડની ખોટ જશે. તેની સાથે મોટી સંખ્યામાં ટાયર ઉદ્યોગ પણ નેનોની સાથે સ્થળાંતર કરશે. તો ટાટાની બીજી બ્રાન્ડ ટાટા રિયલ્ટી ઈન્ફ્રાસ્ટ્રકચર, ટાટા મેટાલીક્સ અને મૈથાન પાવર લિમીટેડ પણ પોતાની ટિકીટ કપાવી શકે છે.
યુવાનોએ કમર કસીઃ આ દરમિયાન કેટલાંક ખેડૂત યુવકોએ પોતાની કમર કસી છે. જેમાં પોતાની જમીન ટાટાને વેચીને કંપનીમાં કામ કરવાનો નિર્ણય કર્યો હતો. મોટી સંખ્યામાં ખેડૂતોનાં ભણેલા છોકરાઓ નેનો પ્રોજેક્ટમાં કામ કરી રહ્યાં હતાં.પણ હાલ તેઓ બેકાર છે.
બેરોજગારોનો સહારોઃ નેનો પ્લાન્ટ સિંગુરમાં આવવાથી તેમને સારા ભવિષ્ય માટેની આશા જાગી હતી. આ પ્લાન્ટમાં 380 યુવકો ફક્ત ટ્રેઈનીંગ લેતાં હતાં. આ અંગે 30 વર્ષીય પ્રદીપ ડેએ જણાવ્યું હતું કે તે ભણેલો હોવા છતાં ક્યાંય નોકરી મળી નહતી. તેથી તેણે ટાટામાં પ્રયત્ન કર્યો. અને, ટાટા જ્યાં જશત્યાં જઈને નેનો કારને લોન્ચ કરવા માંગે છે.
જો કે આ મુદ્દે કોઈને ફાયદો થાય કે ન થાય પણ રાજકીય પક્ષોને જરૂર ફાયદો થઈ રહ્યો છે. આ મુદ્દે વિરોધ કરી રહેલાં તૃણમુલ કોંગ્રેસનાં મમતા બેનર્જીનાં જનસંઘર્ષ સમિતિ, જનતા દળ(યુ), પશ્ચિમબંગ સમતા પાર્ટી અને ઝારખંડ મુક્તિ મોર્ચા(આદિત્ય) જેવા દળો પોતાની વોટબેન્કને વધારવામાં લાગી ગયા છે.
મમતા વિરૂધ્ધ ભારતીય ઉદ્યોગઃ રાજકીય વર્તુળોમાં એ ચર્ચાએ ગરમાવો આવી ગયો છે કે મમતાએ ભારતીય ઉદ્યોગો સામે પડીને પોતાની રાજકીય કેરીયર પ્રશ્નાર્થ ચિહ્ન મુકી દીધું છે. કારણ કે મમતાનો વિરોધ ફક્ત ટાટા નહીં પણ સમગ્ર ઉદ્યોગ જગત સામે છે. તેથી પશ્ચિમ બંગાળમાંથી ઉદ્યોગ ખસી જાય તો તેમાં મમતાનો રોલ મહત્ત્વનો રહેશે.
નેનો ફેક્ટ્રી માટેની કુલ જમીનમાંથી 47.11 એકર જમીન પશ્ચિમ બંગાળ ઔદ્યોગિક વિકાસ સંઘની છે. સરકાર માને છે કે ત્યાં એક બજાર બનાવીને ખેડૂતો માટે રોજીગારી ઉભી કરવામાં આવશે.
જો કે આ બધા વચ્ચે કોઈએ સહન કરવાનું છે, તો તે સામાન્ય જનતાએ છે. આ વિવાદમાં વિપક્ષ અને ખાસ કરીને મમતાની ભૂમિકા પર સવાલ ઉઠાવવામાં આવે છે. પણ આ મામલે વાતચીત કરવાથી ગરીબ અને મધ્યમવર્ગીય ખેડૂતો-કર્મચારીઓનું કંઈક તો ઉધ્દ્વાર થયો હોત..