નારાયણ સાંઈ વિશે જાણવા જેવું

બુધવાર, 4 ડિસેમ્બર 2013 (11:43 IST)
P.R
સુરતમાં બે સગી બહેનો દ્વારા કરવામાં આવેલા બળાત્કારના આરોપમાં ભાગેડુ જાહેર કરાયેલા નારાયણ સાંઈ વિરુધ્ધ ૬-૧૦-૨૦૧૩ના રોજ સુરતમાં કેસ નોંધવામાં આવ્યો હતો. છેલ્લા બે મહિનાથી નાસતા-ફરતા સાંઈની આજે ધરપકડ કરવામાં આવી છે, ત્યારે ગુજરાત પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. ધરપકડ બાદ સાંઈને નવી દિલ્હી લઈ જવામાં આવ્યો છે. આવતી કાલે સાંઈને સુરત લાવવામાં આવે તેવી શક્યતા છે.

સુરત ઉપરાંત સાંઈ સામે ઈન્દોરની કોર્ટમાં પણ કેસ ચાલી રહ્યો છે. નારાયણ સાંઈ તેમના ભક્તોની સામે પોતાને 'અવતાર' અથવા તો ભગવાન તરીકે જ પ્રોજેક્ટ કરે છે.

નારાયણ સાંઈનો જન્મ તા. 29મી જાન્યુઆરી 1972ના રોજ થયો હતો. પિતા આસારામે પુત્ર નારાયણ સાંઈની ઊંમર પાંચ-છ વર્ષ હતી ત્યારથી જે તેને ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી હતી. આ ટ્રેનિંગ એકદમ ભયંકર હતી. તેઓ સાંઈને ક્યારેક માઉન્ટ આબુના જંગલોમાં છોડી દેતા, તો ક્યારેક સાબરમતી નદીમાં ફેંકી દેતા.

આસારામ નારાયણને તેમની મોક્ષ કુટિરની પાંચ-સાત ફૂટ ઊંચી દિવાલ કુદાવતા. આસારામે લાલજી મહારાજ, હરિદ્વારના ઘાટવાલે બાબા, રામસુખ દાસ વગેરે પાસે નારાયણ સાંઈને શિક્ષા અપાવી છે. નારાયણ સાંઈએ પહાડો, ગુફાઓ અને જંગલોમાં રહીને સાધુ-મહાત્માઓ પાસેથી શિક્ષા પ્રાપ્ત કરી. માત્ર નવ ધોરણ સુધી તેમણે અભ્યાસ કર્યો હતો. એક વખત ઉત્તર પુસ્તિકામાં હરિ ઓમ હરિ લખી દીધું. ત્યારબાદ તેમણે ભણવાનું છોડી દીધું અને આધ્યાત્મ તથા ધ્યાનની બાબતોમાં મન પરોવ્યું.

શરૂઆતમાં નારાયણ સાંઈને રસોડાની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ તેઓ યોગ્ય રીતે શાકભાજી બનાવી શકતા ન હતા. આથી નારાયણને પાછળથી કપડા ધોવાનું, સફાઈ કરવાનું અને સત્સંગ દરમિયાન ડ્રમ વગાડવાનું કામ સોંપવામાં આવ્યું હતું. માત્ર સત્તર વર્ષની ઉંમરે નારાયણ સાંઈને બોધી પ્રાપ્ત થઈ. આસારામે જ નારાયણ સાંઈને ભાષણ આપતા શીખવ્યું. પ્રવચન દરમિયાન નાચવામાં નારાયણ સાંઈને ઘણીવખત શરમ આવતી હતી. આસારામે જ તેમને નાચવાની તાલિમ આપી. પ્રવચન અને ડાન્સ શીખીને નારાયણ સાંઈ વિદેશ જવા લાગ્યા. તેમણે યુએસ, યુકે તથા જાપાનમાં પ્રવચનો કર્યા. નારાયણ સાંઈએ વિશ્વગુરૂના નામથી વીડિયો મેગેઝીન શરૂ કર્યું.

નારાયણ સાંઈનો ઉલ્લેખ ભગવાન તથા અવતાર તરીકે કરવામાં આવી રહ્યો છે. તેમાં લખવામાં આવ્યું છે કે અવતાર કે દેહધારણના બે પ્રકાર હોય છે. એક તો ભગવાન જ્યારે કોઈ ચોક્કસ કામને પૂર્ણ કરવા માટે અવતરિત થાય અને બીજું કે જ્યારે ભગવાન તેમના કોઈ અંશને આંતરિક અશુદ્ધિઓનો નાશ કરવા માટે મોકલે. ભગવાન રામ તથા કૃષ્ણનો જન્મ કંસ અને રાવણ જેવા દાનવોનો સંહાર કરવા માટે થયો, પરંતુ સાધુ સંતના સ્વરૂપમાં ભગવાન સમયાંતરે જન્મ લે છે, તેવું વેબસાઈટ પર લખવામાં આવ્યું છે. આવા અવતાર સમાજમાં બિનજવાબદાર, દિશાહિન લોકોને યોગ્ય માર્ગ દેખાડે છે. આ માટે કબીર અને મહર્ષિ વશિષ્ઠ જેવા નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વેબદુનિયા પર વાંચો