ગોવા બેઠક પહેલા મોદી વિરોધીઓની 'તબિયત ખરાબ'

શુક્રવાર, 7 જૂન 2013 (12:54 IST)
P.R
બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી આજે ગોવા નથી જઈ રહ્યા. સૂત્રોના હવાલાથી જાણવા મળ્યુ છે કે જે રીતે બેઠકના પહેલા જ મોદીનુ નામ ઉછાળવામાં આવી રહ્યુ છે તેનાથી તે ખુશ નથી. અડવાણી તબિયત ખરાબ હોવાનું કહીને આજે મીટિંગથી દૂર રહેવાના છે. અડવાણીને આજે ત્રણ વાગ્યે બીજેપી પદાધિકારીઓ અને સંસદીય બોર્ડ સભ્યોની સાથે મીટિંગમાં હાજરી આપવાની હતી. પણ હવે તેણે પોતાનો કાર્યક્રમ બદલી નાખ્યો છે. પર્યટનસ્થળ ગોવામાં આજથી ભાજપની રાષ્ટ્રીય કારોબારી શરૂ થઇ રહી છે અને મોદી તેમાં ઉત્સાહભેર હાજરી આપવા પહોંચી રહ્યાં છે એવા સમયે એલ. કે. અડવાણી, જશવંતસિહ વગેરેની તબિયત બગડી ગઇ છે જ્યારે ઉમા ભારતી ગોવા જવાનાં નથી. આ નેતાઓની ગેરહાજરીનું કારણ જગજાહેર છે.

ભાજપનાં સૂત્રોએ જણાવ્યું કે મુખ્યમંત્રી મોદી આજે અમદાવાદ વિમાનીમથકેથી વિમાન દ્વારા ગોવા જવા રવાના થયાં હતાં. ગોવામાં તેમના સ્વાગતની જોરદાર તૈયારીઓ થઇ રહી છે. તેમની સાથે મંત્રીમંડળના ત્રણ સદસ્યો અને ગુજરાત ભાજપના સંગઠનના આમંત્રિતો ગોવા પહોંચી ગયા છે અથવા પહોંચી રહ્યાં છે. ગોવામાં ભાજપની કારોબારી સ્થળે મોદીને આવકારતાં ઢગલાબંધ બેનરો, પોસ્ટર ચારેતરફ લગાવવામાં આવ્યાં છે અને ગોવાના ભાજપના મુખ્યમંત્રી મનોહર પરીકરે પણ એવી લાગણી વ્યક્ત કરી છે કે તેમના રાજ્યના આંગણે ભાજપની રાષ્ટ્રીય કારોબારી યોજાઇ રહી છે ત્યારે મોદીને પક્ષે વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવા જોઇએ અને તેમાં કોઇ વિંલબ કરવો જોઇએ નહીં.

સૂત્રોએ જણાવ્યું કે બીજી અડવાણીએ મોદીને ચૂંટણીપ્રચાર સમિતિની કમાન સંભાળતા રોકવા માટે અનેક પ્રયાસો કર્યાં અને મોદીને બદલે મધ્યપ્રદેશના ભાજપના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરતાં મોદીજૂથ તેમનાથી નારાજ થયું છે. ભાજપના કેટલાક મોદી સમર્થકોએ વડાપ્રધાનપદ માટે મોદીનું નામ ઉછાળતા કહેવાય છે કે અડવાણી ભારે ખફા થયા છે અને તેમણે ગોવા કારોબારીથી પોતાને દૂર રાખવાનો પ્રયાસ કર્યો છે. આ એ જ ગોવા છે કે જ્યાં 2002માં ગોધરાકાંડ બાદ યોજાયેલી ભાજપની કારોબારીમાં અડવાણીએ મોદીની મુખ્યમંત્રી ખુરશી બચાવી હતી. આજે તેઓ જ તેમની સામે પડ્યા છે. અડવાણી ઉપરાંત તેમના જૂથના અગ્રણી અને પૂર્વ કેન્દ્રીયમંત્રી જશવંતસિંહે પણ પોતાની તબિયત સારી નહીં હોવાનું જણાવી ગોવા કારોબારીથી અંતર રાખ્યું છે. તો અન્ય નેતા ઉમા ભારતી પણ આ બેઠકમાં હાજરી આપવાનાં નથી તેવા પણ એક સમાચાર મળ્યા છે.

વેબદુનિયા પર વાંચો