ગુજરાતમાં તેની વસ્તી કરતા વધારે મોબાઇલ, ૧૦૦માંથી ૯૪ લોકો કનેક્ટેડ

સોમવાર, 23 માર્ચ 2015 (13:03 IST)
રાજયમાં મોબાઈલધારકોની સંખ્યામાં કૂદકે ને ભૂસકે વધારો થઈ રહયો છે. ગુજરાતમાં ૨૦૧૪માં ૩૩.૪ લાખ મોબાઈલ ધારકોની સંખ્યા વધી છે. આ આંકડો ટેલિકોમ રેગ્યુલટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ) એ બહાર પાડયો હતો.

એક જ વર્ષના ગાળામાં રાજયમાં થયેલા આ મોબાઈલ કનેકશનના વધારાએ દિલ્હી, કર્ણાટક અને રાજસ્થાનને પછાડી દીધા છે.

રાજયમાં વ્યકિત દિઠ મોબાઈલ કનેકશન પણ વધ્યા છે. રાજયમાં ૬.૫ કરોડની વસતી છે જેની સામે ૫.૭ કરોડ મોબાઈલ કનેકશન થઈ ગયા છે જે મુજબ દર ૧૦૦એ ૯૪ વ્યકિત પાસે મોબાઈલ છે. વધેલા મોબાઈલ કનેકશનનું તારણ કાઢતા ટ્રેડ પંડિતોનું માનવુ છે કે, રાજયના સર્વાંગી વિકાસના લીધે આ મોબાઈલ સેવાઓમાં અભૂતપૂર્વ વધારો થયો છે તે હોઈ શકે, બીજુ કે મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ વચ્ચેની હરીફાઈને લીધે ગ્રાહકોને ફાયદો થયો છે. હવે શહેરીવિકાસ બાદ ગામડે ગામડે મોબાઈલ અને નેટવર્ક કનેકશન પહોંચી ગયા છે. શહેરો તેમજ ગામડાઓમાં સ્માર્ટ ફોનની સંખ્યા વધી છે જેમાં ડયુલ સીમ રાખવાનો ટ્રેન્ડ પણ વધ્યો છે. દસમાંથી ત્રણથઈ ચાર વ્યકિત ડયુઅલ કનેકશન રાખે છે. જેના લીધે મોબાઈલ કનેકશનમાં વધારો દેખાય છે. શહેરમાં શાળાએ જતા બાળકો, ગ્ાૃહિણીઓથી લઈને તમામ વર્ગ મોબાઈલ ફોનનો વપરાશ કરે છે જ્યારે હજુ ગામડાઓમાં માત્ર પુરષ વર્ગ જ મોબાઈલ વાપરે છે એટલે હજુ વપરાશ વધશે.

૨૦૧૪માં ગુજરાતમાં ૫.૩૯ કરોડ ધારકો હતા જ્યારે મધ્ય પ્રદેશમાં ૫.૯૫, દિલ્હીમાં ૪.૨૪, કર્ણાટકમાં ૫.૪૭ અને રાજસ્થાનમાં ૫.૧૫ કરોડ મોબાઈલ કનેકશન ધારકો હતા જે આ વર્ષે વધ્યા છે જેમાં ગુજરાત મોખરે છે ગુજરાતમાં ૫.૭૨ કરોડ થયા છે જ્યારે મધ્યપ્રદેશમાં ૫.૯૫ અને દિલ્હીમાં ૪.૫૬, કર્ણાટકમાં ૫.૭૪ તેમજ રાજસ્થાનમાં ૫.૧૫ કરોડ થયા છે. મોબાઈલ કનેકશન સાથે સાથે લોકો મોબાઈલ હેન્ડ સેટ પણ બદલતા થયા છે રાજયમાં આશરે ૭ કરોડથી વધુ મોબાઈલ હેન્ડ સેટ હોવાની સંભવાના છે.

વેબદુનિયા પર વાંચો