કરોડોની નંખાયેલી પાઇપલાઈનમાંથી બે વર્ષમાં ત્રણ વખત જ પાણી મળ્યું

શનિવાર, 1 નવેમ્બર 2014 (16:35 IST)
ઝાલાવાડ સહિતના પાણીના કટોકટીવાળા વિસ્તારોમાં નર્મદાની પાઇપલાઇન દ્વારા પૂરતું પાણી આપવાના સરકારના પ્રયાસોમાં નઘરોળ તંત્રની બેદરકારી આડે આવી રહી છે.

મૂળી તાલુકાનાં સુજાનગઢ ગામે સરકાર દ્વારા લાખોનાં ખર્ચે પીવાના પાણી માટેની બે વર્ષથી પાઇપલાઈન નાંખવામાં આવી છે પરંતુ બે વર્ષમાં માત્ર ત્રણ વખત જ પાણી આવતા ગ્રામજનો પરેશાની ભોગવી રહ્યાં છે. હાલ પાણી માટે વાડીઓમાં રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. ત્યારે અત્યારથી જ પાણીની સમસ્યા ભોગવતા ગામલોકોએ તૂટી ગયેલી પાઇપલાઇન રિપરે કરીને પાણી પૂરું પાડવાની માગણી કરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ઝાલાવાડમાં મૂળી તાલુકાનાં સુજાનગઢ ગામે છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા લોકોને સતાવી રહી છે.

બે વર્ષ પહેલા અંદાજે ૧.૫ કરોડનાં ખર્ચે સુજાનગઢમાં પાણી મળી રહે તે માટે પાઇપલાઈન નાંખવામાં આવી છે પરંતુ બે વર્ષ જેટલો સમય વિતવા છતાં માત્ર ત્રણ વખત જ પાણી આપ્યું છે.

આથી રહીશોને પીવાનું પાણી ન મળતાં લોકો પરેશાની ભોગવી રહ્યાં છે અને પાણી માટે ખેતરો અને વાડીઓમાં રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા પાણીની વ્યવસ્થા કરી લોકોની સમસ્યા ઉકેલવામાં આવે તેવી ગ્રામજનો માગ કરી રહ્યાં છે.

આ અંગે ગામલોકોએ જણાવ્યું હતું કે, દર વર્ષે સુજાનગઢમાં પાણી માટે લોકોને વલખાં મારવા પડે છે. અત્યારથી જ ખેતરોમાં પાણી લેવા જવું પડે છે. ત્યારે તંત્ર દ્વારા લોકોને પાણી મળી રહે તે માટે વ્યવસ્થા કરાઇ તેવી અમારી માગ છે.

અનેક વખત તાલુકામાં અને જિલ્લામાં રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં બે વર્ષમાં માત્ર ત્રણ વખત જ પાણી આવ્યું છે. ત્યારે તંત્ર દ્વારા પાણી પહોંચાડવામાં આવે તેવી અમારી માગ છે. બીજી બાજુ પાણી પુરવઠા વિભાગના સ્થાનિક અધિકારીએ જણાવ્યું હતું કે, અહીંથી રોજ પાણી છોડવામાં આવે છે. પરંતુ વચ્ચેથી લાઇન તૂટી જતી હોવાથી પાણી મળી શકતું નથી.

વેબદુનિયા પર વાંચો