ઈટારિયન ઓઈલ ટેંકરમાંથી થયેલ ગોળીબારમાં બે માછીમારોના મોત

શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2012 (15:53 IST)
P.R
ઈટાલિયન ઓઈલ ટેન્કર એનરિકા લેક્સીમાંથી થયેલા ગોળીબારમાં અલાપુઝા નજીક બે ભારતીય માછીમારોના મોત થયા છે. આ મામલાએ તૂલ પકડતા શુક્રવારે ઈટાલિયન જહાજને કોચિ લાવવામાં આવ્યું અને પોલીસ તથા કોસ્ટ ગાર્ડે ક્રૂ મેમ્બરોની પુછપરછ કરી છે.

ઈટાલિયન જહાજને કોચિના ઓઈલ ટર્મિનલ ખાતે લાંગરવામાં આવ્યુ છે અને અહીં સુરક્ષા બંદોબસ્ત કડક કરવામાં આવ્યો છે. મરીન સત્તાવાળાના પ્રાથમિક અંદાજા પ્રમાણે ઈટાલિયન જહાજના સુરક્ષા ગાર્ડોએ બુધવારે માછીમારોની બોટને ચાંચિયાઓની વેસલ સમજીને ભૂલથી ફાયરિંગ કર્યુ હશે.

કોસ્ટલ પોલીસે ઈટાલિયન જહાજના ક્રૂ મેમ્બર સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. મૃત માછીમારો વેલેન્ટાઈન ઉર્ફે જેલેસ્ટાઈન (45) અને અજેસ બિંકી (25)ના પોસ્ટમોર્ટમને અંતે તેમની લાશ પર મળેલી ગોળીના નિશાને આધારે પોલીસે આ કેસ નોંધ્યો છે.

બિન્કી અને જેલેસ્ટાઈનની સાથે બોટ પરના અન્ય માછીમારોના જણાવ્યા પ્રમાણે, બોટમાં કુલ 11 માછીમારો હતા. તેઓ કોલ્લમ જિલ્લાના નીન્દાકારાથી દરિયો ખેડવા ઉતર્યા હતા. આ ઘટના સંદર્ભે ઈટાલીના કાઉન્સેલ જનરલ ગિઆમપઓલો કુટીલો અહીં ગુરુવારે પહોંચ્યા છે. ભારત ખાતેના ઈટાલીના કાઉન્સેલ જનરલે શહેર પોલીસ કમિશનર એમ. આર. અજય કુમારની મુલાકાત લીધી છે.

કોલ્લામ ખાતે મુર્થાકારા પેરિસ ચર્ચ ખાતે જેલેસ્ટાઈનની અંતિમ વિધિ શુક્રવારે જ કરવામાં આવશે અને બિન્કીના મૃત શરીરને તમિલનાડુના કન્યાકુમારી જિલ્લાના પુતુરલ ખાતે લઈ જવામાં આવશે.

કેરળ સરકારે મૃત માછીમારોના પરિવારજનો માટે પાંચ-પાંચ લાખ રૂપિયાનું વળતર ઘોષિત કર્યું છે. જહાજના માલિકો પાસેથી બાકીનો ખર્ચો વસૂલવાનો કાયદાકીય ખર્ચ પણ રાજ્યે ભોગવવાનું નક્કી કર્યું છે. કોલ્લમ વહીવટી તંત્રે મૃત માછીમારોના સગાં માટે 10-10 હજારના રાહત વળતરની જાહેરાત કરી છે.

બીજી તરફ માછીમારી સંગઠનોએ કોચિ ખાતે જહાજને ઘેરવાની ધમકી આપીને ક્રૂ મેમ્બર સામે કડક શિક્ષાત્મક પગલાની માગણી કરી છે

વેબદુનિયા પર વાંચો