મંત્રીએ કર્યો નશો, રાજીનામાની ધમકી

વેબ દુનિયા

મંગળવાર, 17 ફેબ્રુઆરી 2009 (13:16 IST)
જાપાનના નાણાંપ્રધાન સોઇચી નાકાગાવાએ આજે સવારે જણાવ્યું હતું કે તેઓ રાજીનામું આપી દેશે. ગઇકાલે તેઓએ રોમમાં જી-7ની બેઠકમાં દારૂ પીધેલી હાલતમાં ભાગ લીધો હોવાનો ઇન્કાર કર્યો હતો પરંતુ વિવાદ વધુ તીવ્ર બનતા જાપાની નાણાંપ્રધાને આજે સવારે રાજીનામું આપી દેવાની જાહેરાત કરી હતી.

નાકાગાવાએ જણાવ્યું છે કે સંસદના નીચલા ગૃહે ચાવીરૂપ બજેટ બિલ પસાર કરી દીધા બાદ તેઓ રાજીનામું આપી દેશે. પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું છે કે બજેટ અને સંબંધિત બિલ નીચલા ગૃહમાં મંજૂર થઇ ગયા બાદ તેઓ તરત જ રાજીનામું આપવા ઈચ્છે છે. અગાઊ તેઓએ ગયા સપ્તાહની ન્યૂઝ કોન્ફરન્સમાં આ વર્તન બદલ તેમણે માફી માગી લીધી હતી. તેઓએ કહ્યું હતું કે ઇટાલીયન પાટનગરમાં મીડિયાનો સામનો કરતા પહેલા તેઓએ વધારે પ્રમાણમાં નશો કર્યો ન હતો. ન્યૂઝ કોન્ફરન્સ બાદ નાણાંપ્રધાનોની મિટિંગ યોજાઇ હતી. જેમાં વર્તમાન વૈશ્વિક આર્થિક કોટકટી ઊપર ચર્ચા થઇ હતી.

ફોટાઓમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું હતું કે નાકાગાવા તેમની સ્પીચમાં લથડાઇ ગયા હતા અને તેમની આંખો વારંવાર બંધ થઇ જતી હતી. તેઓ ન્યૂઝ કોન્ફરન્સમાં જબકીઓ લેતા પણ નજરે પડ્યા હતા. એક વખતે તો પ્રશ્નના જવાબમાં પણ થાપ ખાઇ ગયા હતા. ડેમોક્રેટીક પાર્ટીના સેક્રેટરી જનરલ યુકીયો હતોયામાએ જણાવ્યું છે કે આ ખૂબ જ ચિંતાજનક બાબત છે. આના લીધે અમારી ટીકા થશે. વિશ્વમાં ખોટો સંદેશ જશે. તેઓએ રાષ્ટ્રીય હિતોને નુકસાન પહાચાડ્યું છે.

સેક્રેટરી જનરલે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે ન્યૂઝ કોન્ફરન્સના દિવસે જાપાની પ્રધાને લન્ચેઓન ટોસ્ટ ખાતે નશો કર્યો હતો અને એક-બે મોટા પેગ લગાવ્યા હતા. તેઓએ વધારે પડતી દવા પણ લીધી હતી જેમાં શરદીથી રાહત મળે તેવી દવાનો સમાવેશ થાય છે. જેના કારણે તેઓ ઊપર રિએકશનની અસર દેખાઇ હતી. નાકાગાવા કોઇ રેગ્યુલર ડ્રકર હોવાનો ઇન્કાર કર્યો છે.

વેબદુનિયા પર વાંચો