કોણ છે યમનના હુતી વિદ્રોહી જેમણે અબુધાબી એયરપોર્ટ પર કર્યો હુમલો, ખૂબ જ જૂનો છે ઈતિહાસ

સોમવાર, 17 જાન્યુઆરી 2022 (21:12 IST)
સંયુક્ત અરબ અમીરાત (UAE)ના અબુ ધાબીમાં સોમવારે યમનના હુતી બળવાખોરોએ શંકાસ્પદ ડ્રોન હુમલો કર્યો હતો. આ વિસ્ફોટક હુમલાઓમાં અત્યાર સુધીમાં ત્રણ લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે, જેમાં બે ભારતીય અને એક પાકિસ્તાની નાગરિકનો સમાવેશ થાય છે. અબુ ધાબી પોલીસે જણાવ્યું હતું કે ઔદ્યોગિક શહેર અબુ ધાબીમાં ADNOCની સ્ટોરેજ ટાંકી પાસે ત્રણ પેટ્રોલિયમ ટ્રાન્સપોર્ટ ટેન્કરમાં આગ લાગતાં બે ભારતીય અને એક પાકિસ્તાની નાગરિકના મોત થયા હતા અને અન્ય છ ઘાયલ થયા હતા. અબુ ધાબી પોલીસે માહિતી આપી છે કે અજાણ્યા હુમલાખોરોએ મુસાફા વિસ્તારમાં વિસ્ફોટ કર્યો હતો.
યમનના હુતી વિદ્રોહીઓએ લીધી જવાબદારી 
 
યુએઈમાં આ ડ્રોન હુમલાની જવાબદારી હુતી વિદ્રોહીઓએ લીધી છે. ઈરાન સમર્થિત યમનના હુતી વિદ્રોહીઓએ કહ્યું કે તેઓ સંયુક્ત આરબ અમીરાતમાં શંકાસ્પદ ડ્રોન હુમલા પાછળ છે. વિદ્રોહીઓએ  કહ્યું કે તેઓએ યમનમાં સંયુક્ત આરબ અમીરાતની તાજેતરની કાર્યવાહીના જવાબમાં આ પગલું ભર્યું અને અબુ ધાબીને નિશાન બનાવ્યું. ગયા અઠવાડિયે, અમીરાતી સમર્થિત "સૈનિકો" એ તેલ સમૃદ્ધ પ્રાંત શબવામાં હુતીઓને કરારી હાર આપી હતી. અમીરાતે તાજેતરમાં યમનમાં સાઉદીની આગેવાની હેઠળના ગઠબંધનમાં સ્થાનિક 'સૈનિકો'ને ટેકો આપવાના પ્રયાસો ઝડપી કર્યા છે
 
કોણ છે હુતી વિદ્રોહી અને હુતી આંદોલન ? 
 
હુતી આંદોલનને સત્તાવાર રીતે અંસાર અલ્લાહ કહેવામાં આવે છે અને બોલચાલની રીતે હુતી  એ એક ઇસ્લામિક રાજકીય અને સશસ્ત્ર આંદોલન છે જે 1990 ના દાયકામાં ઉત્તર યમનના સાદા(Saada)માંથી ઉદ્દભવ્યુ હતુ. હુતી આંદોલન મુખ્યરૂપે  ઝૈદી શિયા બળ છે, જેનું નેતૃત્વ મોટા ભાગે હુતી  આદિજાતિ દ્વારા કરવામાં આવે છે. તે યમનના ઉત્તરીય ક્ષેત્રમાં શિયા મુસ્લિમોનું સૌથી મોટું આદિવાસી સંગઠન છે. હુતી  ઉત્તર યમનમાં સુન્ની ઇસ્લામની સલાફી વિચારધારાના વિસ્તરણનો વિરોધ કરે છે.
 
 
બે રાષ્ટ્રપતિઓને સત્તા પરથી હટાવી ચુક્યા છે  હુતી 
 
હુતીઓનો યમનના સુન્ની મુસ્લિમો સાથે ખરાબ સંબંધોનો ઇતિહાસ છે. આંદોલનએ સુન્નીઓ સાથે ભેદભાવ કર્યો, પરંતુ તેમની સાથે ભરતી અને જોડાણ પણ કર્યું. હુસૈન બદ્રેદ્દીન અલ- હુતીની આગેવાની હેઠળ, જૂથ યમનના પૂર્વ રાષ્ટ્રપતિ અલી અબ્દુલ્લા સાલેહના વિરોધ તરીકે ઉભરી આવ્યું હતું, જેમના પર તેમણે વ્યાપક નાણાકીય ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો હતો અને સાઉદી અરેબિયા અને યુએસ દ્વારા સમર્થિત હોવા બદલ ટીકા કરવામાં આવી હતી. 2000 ના દાયકામાં વિદ્રોહી સેના બન્યા પછી, હુતીઓએ 2004 થી 2010 સુધી યમનના રાષ્ટ્રપતિ સાલેહની સેના સાથે છ વાર યુદ્ધ કર્યુ.  વર્ષ 2011 માં, આરબ દેશો (સાઉદી અરેબિયા, યુએઈ, બહેરીન અને અન્ય) ના હસ્તક્ષેપ પછી, આ યુદ્ધ શાંત થયું.
 
જો કે દેશના લોકોના પ્રદર્શનોના કારણે તાનાશાહ સાલેહને પદ છોડવું પડ્યું હતું. આ પછી અબ્દરબ્બુ મન્સૂર હાદી યમનના નવા રાષ્ટ્રપતિ બન્યા. અપેક્ષાઓ હોવા છતાં, હુતીઓ તેમનાથી પણ ખુશ ન થય અને ફરીથી વિદ્રોહ પર ઉતરી આવ્યા અને તેમને રાષ્ટ્રપતિ પદ પરથી હટાવીને રાજધાની સના પર કબજો કરી લીધો. 
 
કેમ લડી રહ્યા છે હુતી ?
 
એવું કહેવાય છે કે જ્યારે હુતીઓએ યમનની સત્તા પર કબજો જમાવ્યો ત્યારે પડોશી દેશોના સુન્ની મુસ્લિમોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. સુન્ની પ્રભુત્વ ધરાવતા સાઉદી અરેબિયા અને યુએઈ તેમનાથી ગભરાય ગયા. જ્યારબાદ તેઓ મદદ માટે અમેરિકા અને બ્રિટન પાસે પહોચ્યા.  પશ્ચિમી દેશોની મદદથી હુતીઓ વિરુદ્ધ હવાઈ અને જમીની હુમલા શરૂ કર્યા અને આ દેશોએ સત્તામાંથી બેદખલ થયેલા હાદીઓનુ સમર્થન કર્યુ. તેનુ પરિણામ એ આવ્યુ કે યમન હવે ગૃહયુદ્ધનું મેદાન બની ગયું છે. અહીં સાઉદી અરેબિયા, UAEનો મુકાબલો હુતી વિદ્રોહીઓ સાથે છે. 
 
સઉદી નેતૃત્વ ગઠબંધનને અમેરિકા, બ્રિટન અને ફાંસ પાસેથી સૈન્ય અને ગુપ્ત મદદ મળી. યુદ્ધની શરૂઆતમાં સઉદી અધિકારીઓએ ભવિષ્યવાણી કરી હતી કે આ ફક્ત થોડાક જ અઠવાડિયા સુધી ચાલશે. પણ છ વર્ષ સુધી સૈન્ય ગતિવિધિ ચાલી રહી છે.  ઓગસ્ટ 2015માં બંદર શહેર અદનમાં ઉતર્યા પછી, ગઠબંધનની જમીની સૈનિકોએ હુતીઓ અને તેમના સમર્થકોને દક્ષિણમાંથી બહાર કરવામાં મદદ કરી. જો કે વિદ્રોહીઓને સના અને ઉત્તર-પશ્ચિમના મોટાભાગના ભાગમાંથી હટાવી શક્યા નહી. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર