અમેરિકાએ ફરી તોડી પાડ્યું ફ્લાઇંગ ઑબ્જેક્ટ, એક મહિનામાં ચોથી ઘટના
સોમવાર, 13 ફેબ્રુઆરી 2023 (09:23 IST)
અમેરિકાએ ફરી એક ઊડતા ફ્લાઇંગ ઑબ્જેક્ટને તોડી પાડ્યું અમેરિકન ફાઈટર જેટ્સે તેમના દેશની સીમામાં બીજી ફ્લાઇંગ ઑબ્જેક્ટ એટલે કે ઊડતી વસ્તુને તોડી પાડી છે.
છેલ્લા અઠવાડિયામાં આવું ચોથી વખત બન્યું છે કે અમેરિકાએ દેશના આકાશમાં દેખાતી ઊડતી વસ્તુને તોડી પાડી હોય.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને આ આદેશ આપ્યો હતો, ત્યારબાદ ફાઇટર જેટ્સે સોમવારે વહેલી સવારે કૅનેડાની સરહદ પાસે લેક હયૂરનમાં આ ઊડતી વસ્તુને તોડી પાડી હતી.
અમેરિકાએ કહ્યું કે 20,000 ફૂટની ઊંચાઈ પર આ ઑબ્જેક્ટને કૉમર્શિયલ હવાઈ ટ્રાફિકમાં અવરોધ પેદા કરી શકે તેમ હતું.
આવું જ એક ફ્લાઇંગ ઑબ્જેક્ટ શનિવારે મોન્ટાના નજીક પણ જોવા મળ્યો હતો. સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર, વસ્તુ માનવરહિત હતી અને તેનાથી કોઈ સૈન્ય ખતરો ન હતો. આ ઑબ્જેક્ટને F-16 ફાઈટર જેટ દ્વારા તોડી પાડવામાં આવ્યું છે.
આ પહેલાં 4 ફેબ્રુઆરીએ અમેરિકાના આકાશમાં એક બલૂન જોવા મળ્યું હતું, જેને અમેરિકી સરકારે ચીનનું જાસૂસી બલૂન ગણાવ્યું હતું. આ બલૂન અંગે ચીને કહ્યું હતું કે આ બલૂન હવામાનની માહિતી એકત્ર કરવા માટે મોકલવામાં આવ્યું હતું, જે તેના માર્ગ પરથી ભટકી ગયું હતું.
બલૂન મુદ્દે અમેરિકા અને ચીન વચ્ચે તણાવ વધી ગયો હતો અને યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટની બ્લિંકને ચીનની મુલાકાત પણ રદ કરી દીધી હતી. પ્રારંભિક નિરીક્ષણ બાદ અમેરિકાએ આ બલૂનને પણ નિશાન બનાવીને તોડી પાડ્યું હતું.
આ ઘટના સામે આવ્યા બાદ પણ આવા ત્રણ વધુ પ્રસંગો બન્યા જેમાં આકાશમાં દેખાતા ઑબ્જેક્ટને અમેરિકાએ તેના જ દેશમાં તોડી પાડ્યું. જોકે અધિકારીઓએ હજુ સુધી એ નથી જણાવ્યું કે આ ઑબ્જેક્ટ ક્યાંથી આવ્યું અને તેનો હેતુ શું હતો? આ જાણવા માટે અમેરિકા અને કૅનેડા બંને કામ કરી રહ્યા છે.