શ્રીલંકાના રાષ્ટ્રપતિએ સંસદ ભંગ કરી, દેશમાં સામાન્ય ચૂંટણી યોજાશે
બુધવાર, 25 સપ્ટેમ્બર 2024 (16:13 IST)
મંગળવારે શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેએ સંસદ ભંગ કરીને દેશમાં વહેલી સામાન્ય ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી. સરકારે એક આદેશમાં જણાવ્યું કે દેશમાં 14 નવેમ્બરના રોજ સામાન્ય ચૂંટણી યોજાશે. શ્રીલંકામાં સાલ 2020માં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી.
શ્રીલંકામાં પણ સંસદસભ્યોનો કાર્યકાળ પાંચ વર્ષ સુધીનો હોય છે. હવે સંસદ ભંગ થતા દેશમાં નિર્ધારિત સમય કરતાં ચૂંટણી વહેલી થશે.
રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયાના થોડા સમય બાદ દિસાનાયકેએ જણાવ્યું હતું કે, એવી સંસદને ચાલુ રાખવાનો કોઈ અર્થ નથી જેને લોકોની જરૂરિયાત વિશે સમજ ન હોય.
રાષ્ટ્રપતિ દિસાનાયકેએ મંગળવારે પ્રાધ્યાપકથી સાંસદ બનેલાં હરિની અમરાસૂર્યાને વડાં પ્રધાન તરીકે પસંદ કર્યા છે. સાથે તેમને ન્યાય, શિક્ષણ અને શ્રમ મંત્રાલયની જવાબદારી પણ સોંપી છે.
દિસાનાયકે અને અમરાસૂર્યા એમ બંને વામપંથી તરફી નૅશનલ પિપલ્સ પાવર ગઠબંધનનાં સભ્યો છે. આ ગઠબંધન પાસે 225 બેઠકો ધરાવતી શ્રીલંકાની સંસદમાં માત્ર ત્રણ સાંસદો છે.