Pervez Musharraf : એ કેસ જેમાં પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિને ફાંસીની સજા ફટકારાઈ

બુધવાર, 18 ડિસેમ્બર 2019 (12:54 IST)
પાકિસ્તાનના પૂર્વ સૈન્યસરમુખત્યાર પરવેઝ મુશર્રફને દેશદ્રોહના મામલે ફાંસીની સજા સંભળાવાઈ છે. પાકિસ્તાનના મીડિયાના જણાવ્યા અનુસાર ખાસ કોર્ટે તેમને આ સજા સંભળાવી છે.
 
વિશેષ અદાલતની ખંડપીઠે પાકિસ્તાની સૈન્યના પૂર્વ શાસક પરવેઝ મુશર્રફને દેશદ્રોહના કેસમાં મૃત્યદંડ ફટકાર્યો છે. મુશર્રફ વિરુદ્ધ છેલ્લા કેટલાય સમયથી સુનાવણી ચાલી રહી હતી.
 
મુશર્રફ હાલમાં પાકિસ્તાનમાં નથી અને તેઓ દુબઈમાં પોતાની સારવાર કરાવી રહ્યા છે. થોડા સમય પહેલાં મુશર્રફે એક વીડિયો જાહેર કરીને પોતાના ખરાબ સ્વાસ્થ્યને ટાંકીને જણાવ્યું હતું કે તપાસપંચ તેમની પાસે આવે અને જુએ કે તેઓ કેવી સ્થિતિમાં છે.
 
બંધારણની અવગણના અને ગંભીર દેશદ્રોહના મામલે તેમણે કહ્યું હતું, "મારા મતે આ મામલો સંપૂર્ણ રીતે નિરાધાર છે.""દેશદ્રોહની વાત છોડો, મેં તો આ દેશની ભારે સેવા કરી છે. યુદ્ધ લડ્યાં છે અને દસ વર્ષ સુધી દેશની સેવા કરી છે."
મુશર્રફે વીડિયા જાહેર કરતી વખતે કહ્યું કે બંધારણની અવગણના કરવાના મામલે તેમની સુનાવણી નથી કરાઈ રહી.
 
તેમણે કહ્યું હતું, "મારા વકીલ સલમાન સફદરને પણ કોર્ટ નથી સાંભળી રહી. મારા મતે આ ભારે અત્યાચાર થઈ રહ્યો છે અને મારી સાથે ન્યાય નથી કરાઈ રહ્યો."
 
કેસ શું છે?
ઇસ્લામાબાદની વિશેષ કોર્ટે 31 માર્ચ 2014ના રોજ દેશદ્રોહના એક કેસમાં પાકિસ્તાનના પૂર્વ સૈનિક રાષ્ટ્રપતિ જનરલ (નિવૃત્ત) પરવેઝ મુશર્રફને આરોપી ઠેરવ્યા હતા. તેઓ પાકિસ્તાનના ઇતિહાસમાં પ્રથમ એવી વ્યક્તિ છે કે જેમની વિરુદ્ધ બંધારણની અવગણના કરવાનો કેસ ચાલ્યો છે.
 
વાત એમ હતી કે વર્ષ 2013માં ચૂંટણી જીત્યા બાદ પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ) સરકારમાં આવી. સરકાર આવ્યા બાદ પૂર્વ સૈનિક રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ વિરુદ્ધ બંધારણની અવગણના કરવાનો કેસ દાખલ કરાયો હતો. મુશર્રફ વિરુદ્ધ એક ગંભીર દેશદ્રોહના મામલે સુનાવણી કરનારી વિશેષ કોર્ટના ચાર પ્રમુખો બદલવા પડ્યા હતા.
 
પરવેઝ મુશર્રફ માત્ર એક વખત વિશેષ કોર્ટ સમક્ષ હાજર થયા હતા. એ પણ એ વખતે જ્યારે તેમના વિરુદ્ધ આરોપ લગવાયા હતા. એ બાદ તેઓ ક્યારેય કોર્ટમાં નથી આવ્યા. વર્ષ 2016માં સ્વાસ્થ્યના કારણસર મુશર્રફ વિદેશ ચાલ્યા ગયા હતા.
 
એ વખતના શાસક પક્ષ મુસ્લીમ લીગ(નૂન)એ ઍક્ઝિટ કંટ્રોલ લિસ્ટમાંથી તેમનું નામ હઠાવી દીધું હતું. જે બાદ તેમને દેશ છોડવાની મંજૂરી મળી હતી.
 
મુશર્રફ : સેનાપ્રમુખથી ફાંસીની સજા સુધી
 
પરવેઝ મુશર્રફે ઑક્ટોબર 1999માં સૈન્ય વિદ્રોહ કરીને પાકિસ્તાનની સત્તા પોતાના હાથમાં લીધી હતી. જૂન 2001માં જનરલ મુશર્રફે સૈન્ય પ્રમુખના પદ પરથી પોતાને રાષ્ટ્રપતિ ઘોષિત કર્યા હતા. એપ્રિલ 2002માં એક વિવાદાસ્પદ જનમતથી મુશર્રફ વધારે પાંચ વર્ષ માટે રાષ્ટ્રપતિ બની ગયા. ઑક્ટોબર-નવેમ્બર 2007માં મુશર્રફ ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા. જોકે તેમને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યા. એ પછી તેમણે દેશમાં કટોકટી લાદી દીધી અને મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ઇફ્તિખાર ચૌધરીની જગ્યાએ નવા મુખ્ય ન્યાયાધીશની નિયુક્તિ કરી દીધી.
 
ઑગસ્ટ 2008માં મુશર્રફે રાષ્ટ્રપતિના પદ પરથી રાજીનામું આપી દીધું. તેમણે આ નિર્ણય મુખ્ય સત્તાધારી પક્ષના વિરુદ્ધ મહાભિયોગ કરવાની સહમતી બાદ લીધો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર