અમેરિકાના કેન્ટકીમાં વાવાઝોડાને લીધે 70થી વધુ લોકોનાં મોત

રવિવાર, 12 ડિસેમ્બર 2021 (12:27 IST)
અમેરિકાના કેન્ટકી( Kentucky, USA) રાજ્યમાં આવેલા ભયાનક વાવાઝોડા(Cyclone) ને પગલે અત્યાર સુધીમાં 70થી વધુ લોકોનાં મોત થયાં છે.
 
રાજ્યના ગવર્નર એન્ડી બેશિયરે આ વાવાઝોડા(Cyclone) ને કેન્ટકીના ઇતિહાસનું સૌથી ખરાબ વાવાઝોડું ગણાવ્યું હતું.
 
તેમણે કહ્યું છે કે મૃત્યુઆંક 100 સુધી પહોંચી શકે છે.
 
રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે તેઓ કેન્ટકીમાં આવેલા ભયાનક વાવાઝોડાથી પીડિત લોકોની મદદ માટે દરેક સંભવ પગલાં લેશે.
 
તેમણે કેન્ટકી માટે ફંડ જાહેર કરતા સ્ટેટ ઇમર્જન્સી જાહેર કરી છે. તેમણે પણ આ વાવાઝોડાને ઇતિહાસનું સૌથી મોટું વાવાઝોડું ગણાવ્યું હતું.
 
અમેરિકાના ઘણા પ્રદેશોમાં સતત વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે, આ દરમિયાન ઘણા કર્મચારીઓ મેફિલ્ડ શહેરના એક કારખાનામાં ફસાયેલા છે.
 
જ્યારે વાવાઝોડું ત્રાટક્યું ત્યારે લગભગ 100 લોકો મેફિલ્ડની મીણબત્તી બનાવતી ફેકટરીમાં હતા.
 
ગવર્નર એન્ડી બેશિયરે કહ્યું છે કે "જો કોઈને કાટમાળમાંથી જીવિત બહાર કાઢી શકાશે, તો તે ચમત્કાર જ હશે."
 
બીબીસીના ઉત્તર અમેરિકાના સંવાદદાતા પીટર બોવસનું કહેવું છે કે અધિકારીઓ માટે સ્થિતિ ખૂબ જ અઘરી છે, વાવાઝોડાના કારણે મેફિલ્ડ પોલીસસ્ટેશન નષ્ટ થઈ ગયું છે અને અગ્નિશામક ઉપકરણો પણ ક્ષતિગ્રસ્ત થયાં છે.
 
રાજ્યમાં ઘણી બધી જગ્યાઓએ વીજળી નથી. આ વાવાઝોડાને કારણે કેન્ટકી સિવાય અન્ય રાજ્યોમાં 12 લોકોનાં મોત થયાં છે, જેમા ઇલિનૉઇસમાં ઍમેઝોનના વૅરહાઉસમાં કામ કરી રહેલા 6 લોકોનો પણ સમાવેશ થાય છે.
 
બાઇડને કહ્યું કે રવિવારે આપાતકાલીન એજન્સી ‘ફેમા’ની ટીમ કેન્ટકી જશે અને વાવાઝોડામાં જે લોકોનાં ઘર ક્ષતિગ્રસ્ત થયાં હોય, તેમને અસ્થાયી ઘર બનાવવામાં મદદ કરશે.
 
રાષ્ટ્રપતિ બાઇડન દ્વારા જાહેર કરવામાં આવેલું ફંડ કેન્ટકી સિવાય મિસૉરી, આરકંસાસ, ઇલિનૉય, ટૅનેસી અને મિસિસિપી માટે પણ ઉપલબ્ધ છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર