Iran-Israel War: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા આઠ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશો મિસાઈલ, ડ્રોન અને ફાઈટર જેટથી એકબીજા પર હુમલો કરી રહ્યા છે. ઈઝરાયલે એક બાજુ જ્યા ગાઝામાં હમાસ સાથે લડાઈ ચાલુ રાખી છે, તો બીજી બાજુ તે ઈરાન સામે પણ બીજા મોરચે યુદ્ધ કરી રહ્યું છે. આ યુદ્ધમાં, તેને લશ્કરી કાર્યવાહી પર દરરોજ લાખો ડોલર ખર્ચવા પડી રહ્યા છે. એક રિપોર્ટ મુજબ, ઈઝરાયલને ઈરાન સાથેના યુદ્ધમાં દરરોજ 62 અબજ રૂપિયા ખર્ચવા પડી રહ્યા છે.
શરૂઆતના લશ્કરી કાર્યવાહીમાં ખર્ચ વધ્યો
ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, ઈરાન વિરુદ્ધ શરૂઆતના લશ્કરી કાર્યવાહીમાં ઈઝરાયલનો ખર્ચ ઘણો વધી ગયો હતો. ઈકોનોમિક ટાઈમ્સે Ynet ન્યૂઝના અહેવાલના આધારે આ સમાચાર પ્રકાશિત કર્યા છે. આ સમાચારમાં, ઈઝરાયલી સંરક્ષણ દળના નિવૃત્ત બ્રિગેડિયરનાં હવાલાથી કહેવામાં આવ્યું છે કે ઈરાને આ કાર્યવાહીના પહેલા 48 કલાકમાં 1.4 અબજ ડોલર (125 અબજ રૂપિયા) ખર્ચ કર્યા હતા.
ઈરાન દરરોજ 62 અબજ રૂપિયા કરી રહ્યું છે ખર્ચ
દિવસો પસાર થતાં આ ખર્ચ વધતો રહ્યો. ઈરાન સાથેના આ યુદ્ધમાં ઈઝરાયલ હવે લશ્કરી કાર્યવાહી પર દરરોજ લગભગ 725 મિલિયન ડોલર (62 અબજ રૂપિયા દૈનિક) ખર્ચ કરી રહ્યું છે. સરકારી આર્થિક સલાહકારોના મતે, દેશ ફક્ત જેટ ઈંધણ અને શસ્ત્રો પર દરરોજ લગભગ 300 મિલિયન ડોલર (26 અબજ રૂપિયા) ખર્ચ કરી રહ્યો છે.
યુદ્ધને કારણે ઉત્પાદન પર પણ અસર પડી
યુદ્ધને કારણે દેશના સ્થાનિક ઉત્પાદન પર પણ અસર પડી રહી છે. તે જ સમયે, સેના પર ખર્ચ પણ વધી રહ્યો છે. જે લોકો રિઝર્વમાં હતા તેમને સેનામાં સામેલ કરવામાં આવી રહ્યા છે અને યુદ્ધના મોરચે તૈનાત કરવામાં આવી રહ્યા છે. રિઝર્વ લોકોને સેનામાં સામેલ કરવા માટે દરરોજ 27 મિલિયન ડોલર (2 અબજ 33 કરોડ રૂપિયા) ખર્ચ કરવામાં આવી રહ્યા છે.
ઇન્ટરસેપ્ટર્સે ખર્ચનો બોજ વધાર્યો
ઇઝરાયલને ઇરાની મિસાઇલોને રોકવા માટે ઉપયોગમાં લેવાતા ઇન્ટરસેપ્ટર્સ પર દરરોજ ઘણો ખર્ચ કરવો પડે છે. આ ઇન્ટરસેપ્ટર્સ ઇઝરાયલના મિસાઇલ સંરક્ષણનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને દરેક હુમલાનો જવાબ આપવા માટે ઘણો ખર્ચ થાય છે. ઉપરાંત, ઇરાનના હુમલામાં ઇઝરાયલમાં ઇમારતોને ઘણું નુકસાન થયું છે. ઇઝરાયલને આ ઇમારતોના નિર્માણમાં પણ ઘણો ખર્ચ કરવો પડશે.