પાકિસ્તાનમાં ફરી એકવાર શિયા સમાજ નિશાના પર, મોહરમની રેલીમાં બ્લાસ્ટ, 3 ના મોત, 50થી વધુ ઘાયલ
પાકિસ્તાનમાં ફરી એક વખત શિયા સમાજને નિશાન બનાવવામાં આવ્યો છે. ગુરુવારે મધ્ય પાકિસ્તાનમાં શિયા સમુહની ધાર્મિક રેલી દરમિયાન બોમ્બ વિસ્ફોટ થતાં ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા અને 50 થી વધુ ઘાયલ થયા. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં પોલીસ વાહનો અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ તરફ દોડતા જોઈ શકાય છે. ઘાયલ હાલતમાં લોકોને રસ્તા પર મદદ માટે બોલાવતા જોઈ શકાય છે. સુન્ની બહુમતી ધરાવતા પાકિસ્તાનમાં ભૂતકાળમાં પણ લઘુમતી શિયા સમુદાય પર હુમલાઓ થતા રહ્યા છે.
શાફકાતે કહ્યું કે વિસ્ફોટ ત્યારે થયો જ્યારે રેલી ખૂબ જ સાંકડી મુહાજીર કોલોનીમાંથી પસાર થઈ રહી હતી. હુમલાની નિંદા કરતા તેમણે કહ્યું કે સરકારે આવી રેલીઓ માટે સુરક્ષા વધારવી જોઈએ, જે દેશના અન્ય ભાગોમાં પણ કાઢવામાં આવે છે.
આ દરમિયાન અધિકારીઓએ અશૌરા ઉત્સવના એક દિવસ પહેલા દેશભરમાં મોબાઇલ ફોન સેવા સ્થગિત કરી દીધી છે. મોહરમ પ્રસંગે, શિયા મુસ્લિમો પયગંબર સાહેબના પૌત્ર ઇમામ હુસૈનના મૃત્યુ પર શોક વ્યક્ત કરે છે. 7 મી સદીમાં હાલના ઇરાકના કરબલાના યુદ્ધમાં તેમની કુરબાનીનુ દુ:ખ મનાવતા શિયા મુસ્લિમો માતમ મનાવે છે. દુનિયાભરના શિયા સમુદાયના લોકો ખુદને કષ્ટ આપીને પોતાનું દુ:ખ વ્યક્ત કરે છે.