Biden- બાઇડને કહ્યું યુક્રેન યુદ્ધ મહત્ત્વપૂર્ણ વળાંકે, અમેરિકાએ મોકલ્યાં વધુ હથિયાર

શુક્રવાર, 22 એપ્રિલ 2022 (09:43 IST)
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને રશિયા સાથે ચાલી રહેલ યુક્રેન યુદ્ધ મહત્ત્વપૂર્ણ વળાંક પર હોવાનું નિવેદન કર્યું છે. બીજી તરફ અમેરિકાએ યુક્રેન વધુ હથિયાર મોકલ્યાં છે.
 
યુક્રેનને મળી રહેલ 80 કરોડ ડૉલરના પૅકેજમાં લાંબા અંતર સુધી ફાયર કરી શકે તેવાં ‘ડઝનબદ્ધ’ હૉવિત્ઝર તોપ અને દારૂગોળાના લગગ દોઢ લાખ રાઉન્ડ સામેલ છે. બીજી તરફ તેમને પૂર્વ યુક્રેનના મેદાની વિસ્તારોમાં ઉપયોગમાં લઈ શકાય તેવા ટેક્ટિકલ ડ્રોન પણ અપાઈ રહ્યા છે.
 
યુક્રેનમાં મોકલાવાયેલાં બીજાં હથિયારોમાં સ્વિચબ્લેડ ડ્રોન પણ સામેલ છે. આ ડ્રોનની ખાસિયત એ છે કે તેનાથી બૉમ્બમારો કરી શકાય છે અને વિમાનોને પણ નિશાન બનાવી શકાય છે.
 
જણાવાઈ રહ્યું છે કે રશિયા સાથે યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે તે સમયથી કુલ્લે 300 કરોડ ડૉલરની સહાયતા દેશને અપાઈ ચૂકી છે.
 
અમેરિકાના સંરક્ષણમંત્રાલયે ગુરુવારે જણાવ્યું કે તેઓ યુક્રેનને ‘ઘોસ્ટ ડ્રોન’ પણ આપી રહ્યું છે. આ વિશે એક અધિકારીએ જણાવ્યું કે, અમેરિકાની ઍરફોર્સે યુક્રેનની જરૂરિયાતોને જોતાં તેને ખૂબ જ ઝડપથી તૈયાર કર્યા છે.
 
જોકે, આ ડ્રોનની લાક્ષણિકતાઓ અંગે હાલ કોઈ જાણકારી ઉપલબ્ધ નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર