ગાઝામાં હૉસ્પિટલ પર હુમલામાં 500નાં મૃત્યુ, ઇઝરાયલે 'ઇસ્લામિક જેહાદ'ને ગણાવી જવાબદાર, હમાસે કહ્યું 'યુદ્ધઅપરાધ'

બુધવાર, 18 ઑક્ટોબર 2023 (15:38 IST)
ગાઝાના આરોગ્યવિભાગે દાવો કર્યો છે કે ગાઝા સિટીની એક હૉસ્પિટલ પર ઇઝરાયલના હવાઈ હુમલામાં લગભગ 500 લોકોનાં મૃત્યુ થયાં છે.
 
બીબીસીના ઇન્ટરનેશનલ એડિટર જૅરેમી બોવેને કહ્યું છે કે ઇઝરાયલના સૈન્ય પ્રવક્તાના કાર્યાલયે તેમને ફોન પર કહ્યું, "હૉસ્પિટલ એ ખૂબ જ સંવેદનશીલ જગ્યા છે અને તે ઇઝરાયલનું લક્ષ્ય નથી. ઇઝરાયલી ડિફેન્સ ફોર્સિસ એ વિસ્ફોટના સ્ત્રોતની તપાસ કરી રહી છે."
 
તે જ સમયે, આઇડીએફએ ટ્વિટર પર એક નિવેદનમાં કહ્યું, "અમે માનીએ છીએ કે અલ અહલી હૉસ્પિટલ પર હુમલો એ પેલેસ્ટિનિયન આતંકવાદીઓ દ્વારા છોડવામાં આવેલા રૉકેટનું પરિણામ હતો."
 
ગાઝામાં આવેલી હમાસની મીડિયા ઓફિસે આ હુમલાને 'યુદ્ધઅપરાધ' ગણાવ્યો છે. તેણે કહ્યું, "ગાઝા પર ઇઝરાયલના હુમલાને કારણે હૉસ્પિટલમાં સેંકડો બીમાર લોકો, ઘાયલો અને બેઘર લોકો કાટમાળ નીચે દટાઈ ગયા છે,"
 
બીબીસીના મિડલ ઇસ્ટ સંવાદદાતા ટૉમ બૅટમૅને કહ્યું છે કે, “અલ અહલી આરબ હૉસ્પિટલમાંથી જે તસવીરો આવી રહી છે તે ભયાનક છે. રસ્તાઓની બહાર મૃતદેહો અને ક્ષતિગ્રસ્ત વાહનો જોવા મળી રહ્યાં છે.”
 
સ્થાનિક લોકોએ જણાવ્યું કે હુમલાથી બચવા માટે લોકોએ હૉસ્પિટલના એક હૉલમાં આશ્રય લીધો હતો. બીબીસીએ હૉસ્પિટલના એક ડૉક્ટર સાથે પણ વાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે લગભગ 4,000 લોકો અહીં આશ્રય લઈ રહ્યા હતા. તેમણે કહ્યું છે કે હવે હૉસ્પિટલમાં 80 ટકા સેવાઓ પ્રભાવિત થઈ ગઈ છે અને વિસ્ફોટ પછી સેંકડો લોકો કાં તો મૃત્યુ પામ્યા છે અથવા તો ઘાયલ થયા છે.
 
પેલેસ્ટિનિયન મીડિયાના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે પેલેસ્ટિનિયન રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે હૉસ્પિટલ પર હુમલા બાદ ત્રણ દિવસના શોકની જાહેરાત કરી છે. આ હુમલાના અહેવાલો વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જૉ બાઇડન ઇઝરાયલ જવા માટે રવાના થઈ ગયા છે.
 
હુમલા અંગે ઇઝરાયલ-ગાઝાએ શું કહ્યું?
 
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(ડબ્લ્યુએચઓ)ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ઍડહેનોમ ગેબ્રિયસે હૉસ્પિટલ પર થયેલા આ હુમલાની નિંદા કરી છે.
 
તેમણે ટ્વીટમાં કહ્યું છે કે, "ડબ્લ્યુએચઓ અલ અહલી આરબ હૉસ્પિટલ પર હુમલાની નિંદા કરે છે. પ્રારંભિક માહિતી સેંકડો લોકો ઘાયલ થયા હોવાનું અને માર્યા ગયા હોવા તરફ નિર્દેશ કરે છે. અમે નાગરિકોને તાત્કાલિક સુરક્ષા મળી રહે અને તેમને આરોગ્યસેવાઓ મળે તેવી માગ કરીએ છીએ."
 
યુએન સેક્રેટરી જનરલ ઍન્ટોનિયો ગુટેરેસે હૉસ્પિટલ પર હુમલાની નિંદા કરી હતી અને ટ્વીટમાં કહ્યું, "સેંકડો પેલેસ્ટિનિયનોનાં મૃત્યુથી હું ભયાનક આઘાત અનુભવું છું. હૉસ્પિટલ અને તબીબી કર્મચારીઓ એ યુએન આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ સુરક્ષિત છે."
 
પેલેસ્ટિનિયન ઑથોરિટીના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે અલ અહલી હૉસ્પિટલ પરના હુમલાને 'ભયાનક યુદ્ધ-નરસંહાર' ગણાવ્યો હતો. તેમણે કહ્યું, "ઇઝરાયલે તમામ હદો વટાવી દીધી છે."
 
ઇઝરાયલે આ હુમલામાં તેની ભૂમિકાનો ઇન્કાર કર્યો છે અને કહ્યું છે કે આ હુમલો 'પેલેસ્ટિનિયન ઈસ્લામિક જેહાદ'ના રૉકેટનું પરિણામ છે, પરંતુ આ ઉગ્રવાદી સંગઠને તેની જવાબદારી સ્વીકારી નથી.
 
હુમલા પછી ઘાયલોને નજીકની અલ શિફા હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
 
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતનયાહુએ ગાઝા હૉસ્પિટલ પર થયેલા હુમલાને 'નૃશંસ આતંકવાદીઓનું કૃત્ય' ગણાવ્યું હતું અને ઇઝરાયલની ભૂમિકાને નકારી હતી.
 
જોકે, સંયુક્ત રાષ્ટ્રમાં પેલેસ્ટાઇનના અધિકારી રિયાદ મંસૂરે જણાવ્યું હતું કે નેતનયાહુ જુઠ્ઠું બોલી રહ્યા છે.
 
મન્સૂરે કહ્યું હતું કે, "તેઓ જુઠ્ઠું બોલી રહ્યા છે. તેમના ડિજિટલ પ્રવક્તાએ પહેલા ટ્વીટ કર્યું હતું કે ઇઝરાયલે આ હુમલો એ વિચારીને કર્યો હતો કે હૉસ્પિટલની નજીક હમાસનો અડ્ડો છે. ત્યાર બાદ આ ટ્વીટ ડિલીટ કરવામાં આવ્યું હતું. અમારી પાસે એ ટ્વીટની કૉપી છે. હવે તેણે પેલેસ્ટિનિયનોને દોષી ઠેરવવા માટે વાર્તા ઘડી છે. ઇઝરાયલી સૈન્યના પ્રવક્તાએ હૉસ્પિટલને ખાલી કરાવવાનું નિવેદન પણ આપ્યું હતું. તેમનો ઇરાદો એ હતો કે હૉસ્પિટલ ખાલી કરાવવામાં આવે અથવા તેઓ ત્યાં હુમલો કરશે. આ ગુના માટે ઇઝરાયલ જવાબદાર છે."
 
'ઇન્ટરનેશનલ રેડ ક્રૉસે' કહ્યું છે કે હુમલાની આ ઘટનાથી તે આઘાતમાં છે.
 
સંસ્થાએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, "હૉસ્પિટલો સલામત આશ્રયસ્થાન છે જ્યાં માનવજીવન બચાવી શકાય છે. ત્યાં વિનાશ અને મૃત્યુનાં દૃશ્યો ન હોઈ શકે. હૉસ્પિટલના પલંગ પર કોઈ ઘાયલ વ્યક્તિની હત્યા ન થવી જોઈએ. ઘાયલો અને પીડિતોને બચાવવામાં ડૉક્ટરો અને રોકાયેલા સુરક્ષા કર્મચારીઓને પણ આપણે ખોવા પડે એ દુખદ છે."
 
સંસ્થાએ અપીલ કરી હતી કે હૉસ્પિટલોને આંતરરાષ્ટ્રીય કાયદાઓ હેઠળ જરૂરી સુરક્ષા આપવામાં આવે.
 
અત્યાર સુધી શું શું થયું?
ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચેનું યુદ્ધ શરૂ થયાને 11 દિવસ વીતી ચૂક્યા છે. બંને વચ્ચેનો ભીષણ સંઘર્ષ શરૂ છે.
ઇઝરાયલે ઉત્તરી ગાઝાના વિસ્તારો ખાલી કરવાની ચેતવણી આપ્યા પછી લગભગ 6 લાખ લોકોએ દક્ષિણ ગાઝા તરફ સ્થળાંતર શરૂ કર્યું છે.
એ પહેલા ઇઝરાયલે ગાઝાની સંપૂર્ણ નાકાબંધી કરવાની જાહેરાત કરી હતી અને વીજળી તથા પાણી-પુરવઠો અટકાવી દીધો હતો. જેના કારણે વીસ લાખથી વધુ લોકો અંધારપટમાં જીવન વીતાવી રહ્યા છે.
અમેરિકા સતત આ મામલે ઇઝરાયલનું સમર્થન કરી રહ્યું છે.
બંને પક્ષો તરફથી હુમલાઓ ચાલુ છે અને મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. ઇઝરાયલે કરેલા બૉમ્બમારામાં ગાઝામાં 3 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે હમાસના ઉગ્રવાદીઓએ 1300થી વધુ લોકોની હત્યા કરી છે જ્યારે સેંકડો લોકોને બંધક બનાવ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર