શોપિંગ મોલમાં બાળકોને ટ્રોલીમાં બેસાડતા પહેલા વાંચો

શનિવાર, 31 ડિસેમ્બર 2011 (11:04 IST)
શોપિંગ મોલમાં બાળકોને ટ્રોલીમાં બેસાડીને ફરતા મા-બાપ માટે ચેતવણીરૂપ કિસ્સો તાજેતરમાં બ્રિટનના એસેક્સના વેસ્ટક્લિફ શહેરમાં બન્યો હતો. જેમાં ટેસ્કોના સુપરમાર્કેટમાં શોપિંગ કરવા નીકળેલી એક મહિલાએ ટ્રોલીમાં બેસાડેલું પોતાનું બાળક ફસાઈ જતાં તેને મુક્ત કરાવવા ફાયરબ્રિગેડને બોલાવવી પડી હતી.

લોલા લેંગમીડ નામના આ બાળકનો ડાબો પગ ટ્રોલીની અંદર સપડાઈ જતા તે અનેક પ્રયાસો બાદ પણ ટ્રોલીમાંથી નીકળી નહોતું શક્યું અને આખરે ફાયરબ્રિગેડે આવીને ટ્રોલીને કાપ્યા બાદ બાળકને મુક્ત કરાવ્યું હતું.

19 મહિનાના આ બાળકને તેની માતા વિક્ટોરિયા (ઉં.32) દિકરાના જન્મદિન માટે કેક ખરીદવા લઈને આવી હતી. લોલાનો પગ ટ્રોલીમાં ફસાઈ ગયા બાદ તેને છોડાવવાના અનેક પ્રયાસો સફળ ન થતાં આખરે સ્ટોરના માલિકોએ ફાયરબ્રિગેડ બોલાવી હતી.

આ ઘટના અંગે લોલાની માતાએ જણાવ્યું હતું કે લોલા સીટ પર ઉભી થઈ ગઈ હતી અને તે સમયે તેનો પગ ટ્રોલીમાં બે સળિયા વચ્ચે ફસાઈ ગયો હતો. તેને જોઈ હું ગભરાઈ નહોતી ગઈ પરંતુ સ્થિતિ ટૂંક સમયમાં જ ગભરાવી દે તેવી થઈ ગઈ હતી. થોડા સમયમાં જ ત્યાં 15 લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું અને પુરૂષોએ પણ પોતાના કળ અને બળ વાપરી જોયા હતા પરંતુ તેનાથી પણ મામલો ઉકેલાયો નહોતો અને આખરે ફાયરબ્રિગેડે લોલાને ટ્રોલીમાંથી બહાર કાઢી હતી.

વેબદુનિયા પર વાંચો