ચીનમાં ચેપી વાયરસથી 20 બાળકોનાં મોત

મંગળવાર, 29 એપ્રિલ 2008 (13:37 IST)
ચીનનાં પૂર્વ ભાગમાં એક ઘાતક વાયરસનાં કારણે ફેલાયેલી બીમારીથી ઓછામાં ઓછા 20 બાળકોનાં મૃત્યુ થયા છે અને દરરોજ અસંખ્ય લોકો તેનાથી અસરગ્રસ્ત થઈ રહ્યાં છે તથા તે આજુબાજુનાં વિસ્તારોમાં પણ ફેલાઈ રહી છે.

ઈવી 71 નામનાં આ વાયરસથી હાથ, પગ અને મોંઢાની બીમારીઓ થાય છે. માર્ચની શરૂઆતથી આ રોગે અન્હુઈ પ્રાંતનાં ફુયાંગ શહેરમાં પગ પેસારો કર્યો છે. પરંતુ તેનાં વિશે સત્તાવાર માહિતી ગઈકાલે આપવામાં આવી હતી.

આ બીમારીથી બે વર્ષથી ઓછી ઉંમરનાં ઓછામાં ઓછા 20 બાળકોનાં મૃત્યુ થયા છે અને અત્યાર સુધી તેનાં ચેપનાં 1520 કેસ સામે આવ્યા છે. ચીનનાં સ્વાસ્થ્ય મંત્રાલયનાં અખબાર પ્રમાણે આ વાયરસ વધું ફેલાઈ શકે છે.

આ ચેપથી તાવ, લકવા અને મગજમાં સોજો આવી શકે છે. મોટાભાગનાં ડોક્ટરો અને દર્દીઓએ પહેલા તેને સામાન્ય રોગ સમજીને ઘણો સમય બર્બાદ કર્યો. વાયરસ વિશે 40 થી વધુ દિવસ સુધી જનતાથી માહિતી છૂપાવી રાખવા પર મીડિયાએ સરકારની ઝાટકણી કરી છે.

વેબદુનિયા પર વાંચો