અફઘાનિસ્તાનમાં હિંસા, 88નાં મોત

ભાષા

સોમવાર, 18 ઑગસ્ટ 2008 (12:22 IST)
અફઘાનિસ્તાનનાં 89મા સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખી સોમવારે સુરક્ષા દળોને ગોઠવી દેવામાં આવ્યા છે. પણ છેલ્લાં બે દિવસથી દેશનાં દક્ષિણ અને પૂર્વ વિસ્તારોમાં થયેલી હિંસામાં 73 તાલીબાની આતંકવાદી તથા પાંચ ખાનગી સુરક્ષા જવાનો માર્યા ગયા છે.

સ્વતંત્રતા દિવસે કાબુલમાં સાત હજાર જેટલાં સુરક્ષા જવાનો ફરજ બજાવતાં હતાં. જેમાં અમેરિકી સેનાનાં જવાનો પણ મોટી સંખ્યામાં સામેલ હતાં. તેમણે સમગ્ર કાબુલમાં સઘન ચેકીંગ હાથ ધર્યુ હતું. જેમાં શહેરની મોટાભાગની સરકારી અને ખાનગી ઈમારતોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ સુરક્ષાની કોઈપણ ચુક હામિદ કરજાઈની સરકાર માટે મુશ્કેલી સર્જી શકે છે.

એપ્રિલ મહિનામાં કાબુલમાં યોજાયેલા એક સૈન્ય પરેડમાં તાલીબાની આતંકવાદીઓએ કરજાઈ પર ગોળીબાર કર્યો હતો. જેમાં એક સાંસદ સહિત ત્રણ લોકોનાં મોત થયાં હતાં. સુરક્ષા જવાનોએ શરૂ કરેલ તલાસી અભિયાન 2001 પછીનું સૌથી મોટું છે. જેમાં શહેરનાં દરેક એન્ટ્રી પોઈન્ટ પર વાહનોની તપાસ કરવામાં આવી રહી છે.

વેબદુનિયા પર વાંચો