ગૌમુત્રના અર્કમાંથી બનેલી ઔષધી ડાયાબીટીસનાં ઈન્સ્યુલીન કરતા ૧૯ ટકા વધુ અસરકારક

શનિવાર, 20 ડિસેમ્બર 2014 (17:42 IST)
ભારતીય સંસ્કૃતિમાં ગાયનું ખુબ મહત્વ રહેલું છે. આ ગાયના ગૌમુત્રના અર્કમાંથી જે આયુર્વેદ ઔષધી સૌરાષ્ટ્ર યુનિ.ના રીસર્ચ સ્કોલર વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેના ક્લીનીકલ ટ્રાયલ બાદ આ ઔષધી ડાયાબીટીસને નિયંત્રણમાં રાખી શકે છે તેવું સ્પષ્ટ થયું છે. આ પ્રકારના રીસર્ચ પેપરને તાજેતરમાં દિલ્હી ખાતે આયોજિત ૩૪ દેશોના આયુર્વેદના તજજ્ઞોની વર્લ્ડ આયુર્વેદ કોંગ્રેસમાં બેસ્ટ પેપર તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો છે.

દુનિયાના તમામ દેશો અત્યારે ડાયાબીટીસની ગંભીર પ્રકારની બિમારીથી ચિંતિત છે. ચીન પછી સૌથી વધુ ડાયાબીટીસની બિમારીથી પીડાતો દેશ ભારત છે. આપણાં દેશમાં ડાયાબીટીસની બિમારી કુદકે ને ભુસકે વધતી જાય છે. આ સ્થિતિમાં ગોવિજ્ઞાન એવં શોધ સંસ્થાનના વડપણ હેઠળ સૌરાષ્ટ્ર યુનિ.ના ફાર્મસી વિભાગમાં કુ. રિધ્ધિ શુક્લ દ્વારા જે રીસર્ચ પેપર દિલ્હી ખાતે આયોજિત વર્લ્ડ આયુર્વેદ કોંગ્રેસમાં રજૂ થયું હતું તેને ૩૯ દેશોના પ્રતિનિધિઓએ બિરદાવી વિજયસાર નામની વનસ્પતિ અને ગૌમુત્રના સમન્વય થકી જે આયુર્વેદ ઔષધી તૈયાર થાય છે તેના ક્લીનીકલ પરીણામો જાણી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ મુદ્દે શોધ સંસ્થાનના સુત્રધાર ડો. હિતેષ જાનીએ જણાવ્યું હતું કે આયુર્વેદની ઔષધીઓ દરેક પ્રકારના ગંભીર રોગોમાં અસરકારક પુરવાર થતી હોય છે. ગૌમુત્રના અર્કમાંથી જે ઔષધી બનાવી છે તે ઈન્સ્યુલીન કરતા ૧૯ ટકા વધુ અસરકારક પુરવાર થઈ છે. જેનું એનીમલ ઉપર ક્લીનીકલ ટ્રાયલ પુરૃ થયું છે. અમોએ ગુજરાતને ડાયાબીટીસથી મુક્ત કરવાનું જે અભિયાન હાથ ધર્યું છે તેમાં જુદા જુદા સ્થળોએ યોજાતા કેમ્પમાં આ ઔષધીના ફળદાયી પરીણામો મળ્યા છે.
ડાયાબીટીસની બિમારી ઉપર ચમત્કારિક પરિણામો મેળવતી આ આયુર્વેદિક ઔષધીનું સંશોધન પેપર હવે આસામમાં ગોહાટી ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સમાં ફાર્મસી વિભાગના અધ્યક્ષ ડો. અશ્વિન દૂધરેજીયા અને સમીર રાબડીયા રજૂ કરશે. ગૌમૂત્રના અર્કમાંથી બનતી આયુર્વેદીક ઔષધીને હવે આંતરરાષ્ટ્રીય સેમિનારમાં રજૂ કરવામાં આવશે.

 

વેબદુનિયા પર વાંચો