સિડનીની બીજી ટેસ્ટ મેચમાં સહેવાગ બહાર

બુધવાર, 2 જાન્યુઆરી 2008 (12:54 IST)
સિડની (એજંસી) ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ શ્રેણીમાં બીજી મેચ સિડની ખાતે રમાઇ રહી છે ત્યારે ઓસ્ટ્રેલિયાને સળંગ 16મી ટેસ્ટ જીતવાથી અટકાવવા ભારતે જરૂર પ્રયાસ કરવો જોઇએ.

મેલબોર્ન ટેસ્ટ ગુમાવ્યા બાદ માત્ર ત્રણ દિવસના સમયગાળામાં સજજ થઇને ભારતીય ક્રિકેટ ટીમ બુધવારથી અહીં શરૂ થયેલી બીજી ક્રિકેટ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય સુકાની અનિલ કુંબલેએ ટીમના ખેલાડીઓને હળવાશથી રમવાનું સૂચન કર્યું છે.

ભારતે આ મેચમાંથી સેહવાગને બાકાત રાખવાનો નિણર્ય લીધો છે અને ઝહિર ખાન મંગળવારે પ્રેકિટસ દરમિયાન ઘાયલ થયો છે. પ્રવાસી ટીમ પર પ્રથમ ટેસ્ટના 337 રનના પરાજયની માઠી અસર પડી હશે તેમાં શંકા નથી પરંતુ ભૂતકાળમાં ભારતે વળતી લડત આપીને શ્રેણી રોમાંચક બનાવેલી છે. આ વખતે ભારતે ઓસ્ટ્રેલિયાને સળંગ 16મી ટેસ્ટ જીતતા અટકાવવાનું છે.

જ્યારે ભારતીય ટીમ અત્યારે મુશ્કેલીમાં છે કેમ કે તેની સામે ઘણી સમસ્યા છે. સિડનીની વિકેટ ઝડપી બોલરને મદદરૂપ થાય તેવી શકયતા હોઇ ભારતીય ટીમ મેનેજમેન્ટે ટીમ પસંદ કરતી વખતે કેટલાક પાસાં અંગે ગંભીરતાથી વિચારવું પડશે. સૌથી મોટી સમસ્યા ઓપનર્સની છે. વસિમ જાફર ફોર્મમાં છે પણ તેના જોડીદાર તરીકે ફોર્મવિહોણા રાહુલ દ્રવિડને રાખવો કે વીરેન્દ્ર સેહવાગને તક આપવી તે સમસ્યા રહેશે.

જોકે અંતે સેહવાગને અંતિમ ઇલેવનમાં સ્થાન મળ્યું નથી. દિનેશ કાર્તિક અંગે પણ શંકા પ્રવર્તી રહી છે.ઘણા ભૂતપૂર્વ ક્રિકેટર ઉપરાંત ખુદ હરીફ સુકાની રિકી પોન્ટિંગે પણ સેહવાગ ટીમમાં હોવો જોઇએ એ અંગે નિવેદન કર્યું છે.

સૌરવ ગાંગુલી અત્યારે જોરદાર ફોર્મમાં છે પણ તે મંગળવારે બીમારીમાં પટકાયો હતો. તેમ છતાં આ મેચમાં તે રમશે.

ભારતની બેટિંગ ઘણી મજબૂત છે પણ મેલબોર્નમાં તે નિષ્ફળ રહી હતી. સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને કંઇક અંશે વીવીએસ લક્ષ્મણે થોડી મક્કમતા દાખવી હતી. મેલબોર્નની પિચ ભારતીય ઉપખંડમાં હોય છે તેવી હતી તેમ છતાં ભારત નિષ્ફળ રહ્યું હતું તો હવે બાકીની મેચમાં પ્રવાસીઓને વધારે તકલીફ પડશે તેમ ઓસી. રિકી પોન્ટિંગ કહી ચૂકયો છે.

ભારત : અનિલ કુંબલે (સુકાની), વસિમ જાફર, રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ, સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, યુવરાજસિંઘ, મહેન્દ્રસિંહ ધોની, હરભજનસિંઘ, ઝહિર ખાન, આરપી સિંઘ, વીરેન્દ્ર સેહવાગ, દિનેશ કાર્તિક, ઇરફાન પઠાણ, ઇશાન્ત શર્મા.

ઓસ્ટ્રેલિયા : રિકી પોન્ટિંગ (સુકાની), મેથ્યુ હેડન, ફિલ જેકસ, માઇકલ હસ્સી, માઇકલ કલાર્ક, સાયમન્ડ્સ, એડમ ગિલક્રિસ્ટ, બ્રેટ લી, સ્ટુઅર્ટ કલાર્ક, મિચેલ જહોનસન, બ્રેડ હોગ અને શૌન ટેટ.

વેબદુનિયા પર વાંચો