ભારતનો વિજય-પોન્‍ટિંગને સણસણતો જવાબ

એજન્સી

રવિવાર, 20 જાન્યુઆરી 2008 (12:28 IST)
NDN.D

પર્થ ટેસ્‍ટમાં શાનદાર રમતના જોરે ઓસ્‍ટ્રેલિયા સામે ભારતે 72 રને વિજય મેળવીને ભારતીય ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો છે. ભારતને વિદેશની ધરતી ઉપર મળેલા સૌથી અદ્દભુત અને અવિસ્‍મરણીય વિજય સાથે ઓસીઝની વિજયકૂચ પણ અટકી ગઇ છે. તેઓને સતત 16 ટેસ્‍ટમાં વિજય બાદ પરાજયનો સ્‍વાદ ચાખવો પડયો છે. ઘરઆંગણે ઓસ્‍ટ્રેલિયા પાંચ વર્ષમાં પહેલી વાર હાર્યું છે અને 2003માં તેને પરાસ્‍ત કરનારું બીજું કોઇ નહીં પણ ભારત જ હતું.

પર્થ ટેસ્‍ટમાં 413 રનના કપરો લક્ષ્યાંક મળ્‍યા બાદ ઓસ્‍ટ્રેલિયનોને પ્રમાણમાં બિનઅનુભવી એવા ભારતીય બોલરોએ 340 રનમાં ઓલઆઉટ કરી સિડની ટેસ્‍ટનો હિસાબ પણ સરભર કરી લીધો હતો. વિશ્વની સૌથી ફાસ્‍ટ પીચ ધરાવતા અહીંના વાકા ગ્રાઉન્‍ડ ઉપર ભારત ઓસી.ને ધૂળ ચાટતું કરશે તેવો કોઇને અંદાજય નહોતો, પરંતુ કુંબલેની ટીમે ભવ્‍ય વિજય મેળવીને શ્રેણી સરભર કરવાની આશા પણ ઊજળી બનાવી છે. સિડની ખાતેની મેચમાં સ્‍ટિવ બકનર અને માર્ક બેન્‍સનના વિવાદસ્‍પદ અમ્‍પાયરિંગે ઓસ્‍ટ્રેલિયન ટીમને વિજયની ભેટ ધરી દીધી હતી, પરંતુ પર્થમાં ગૃહ ટીમ તેની આબરૂના ધજાગરા થતા અટકાવી શકી નહોતી.

પાંચ વિકેટ અને 74 રનનું ઉલ્લેખનીય યોગદાન આપનારા ઇરફાન પઠાણને "પ્‍લેયર ઓફ ધ મેચ"(Man of the Match) ઘોષિત કરાયો હતો. આર.પી. સિંહે અંતિમ બેટ્‍સમેન શોન ટૈટને બોલ્‍ડ કર્યો કે તુરંત ભારતીય ટીમના તમામ ખેલાડીઓ હરખઘેલા થઇ ગયા હતા અને ઉજવણીના મૂડમાં એકબીજાને ભેટી પડયા હતા. ઓસ્‍ટ્રેલિયા તરફથી માઇકલ ક્‍લાર્ક 81 રનના અંગત જુમલા સાથે હાઇએસ્‍ટ સ્‍કોરર રહ્યો હતો, જ્‍યારે માઇકલ હસી અને સુકાની રિકી પોન્‍ટિંગે અનુક્રમે 46 અને 45 રન કર્યા હતા.

કાંગારૂંઓની 8 વિકેટ તો 253 રનમાં પડી ગઇ હતી, પરંતુ પૂંછડિયા બેટ્‍સમેન મિશેલ જોન્‍સન અને સ્‍ટુઅર્ટ ક્‍લાર્કે નવમી વિકેટની ભાગીદારીમાં 73 રન ઉમેર્યા હતા. ક્‍લાર્ક 32 રન બનાવી આઉટ થયો હતો, જ્‍યારે જોન્‍સન અર્ધ-સદી નોંધાવી અણનમ રહ્યો હતો. પઠાણે 54 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી, જ્‍યારે કુંબલે, આર.પી. અને સેહવાગે બે-બે તેમ જ ઇશાંતે એક વિકેટ મેળવી હતી. શ્રેણીની ચોથી અને અંતિમ ટેસ્‍ટ 24 તારીખથી એડીલેડ ખાતે શરૂ થશે.

ભારતે આ અગાઉ ઓસ્‍ટ્રેલિયાને 2004માં મુંબઇમાં હરાવ્‍યું હતું. તે ટેસ્‍ટમાં ઓસીઝનો 13 રને પરાજય થયો હતો. ઓસ્‍ટ્રેલિયા છેલ્લે ઓગસ્‍ટ, 2005માં ટ્રેન્‍ટ બ્રિજ ખાતે ઇંગ્‍લેન્‍ડ સામે પરાજય બાદ એકેય ટેસ્‍ટ હાર્યું નહોતું અને ઘરઆંગણે તો ડિસેમ્‍બર, 2003માં એડીલેડ ખાતે ભારત સામે પરાજય બાદ અજેય રહ્યું હતું.

અંત્રે નોંધનિય છે કે, ઓસ્‍ટ્રેલિયાએ આ અગાઉ સળંગ 16 ટેસ્‍ટ જીતી ત્‍યારે પણ ભારતે જ તેની વિજયકૂચ થંભાવી હતી. 2001માં ભારતના તે યાદગાર વિજયનું સાક્ષી કોલકાતાનું ઇડન ગાર્ડન્‍સ બન્‍યું હતું.

વેબદુનિયા પર વાંચો