મંગળવારે જ્યારે સમગ્ર ભારત દેશ ટીમ ઈન્ડીયાના વિજયનો ઉત્સવ મનાવી રહ્યો હતો ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટનના પરિવારજનોએ પોતાના ઘરમાં જ રહેવાનુ પસંદ કર્યુ હતુ. ધોનીની સફળતાની શુભકામના આપવા આવેલા હજારો ક્રિકેટપ્રેમીઓને મળવાનુ તો દુર તેમને દર્શન આપવામાં પણ તેઓ સંશય અનુભવતા હોય તેમ જણાતુ હતુ.
ખરેખર ધોનીના માતા-પિતાને મિડીયાથી દુર રહેવાનુ પસંદ કરે છે. ધોનીની સફળતાનો ઉત્સવ મનાવવાનો શિરસ્તો તેના પરિવારજનોમાં પહેલેથી જ નથી. અગાઉ ટ્વેન્ટી-20 ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડીયાની સફળતા બાદ પણ તેના માતા-પિતા ઘરમાં ને ઘરમાં જ રહ્યા હતા.
બીજી તરફ તેઓ સ્થાનીક લોકોથી પર ખુબ જ નારાજ છે. કારણ કે, જ્યારે વિશ્વકપમાં ધોનીએ ખરાબ પ્રદર્શન કર્યુ હતુ. ત્યારે કેટલાક અટકચાળા તત્વોએ હાઉસીંગ બોર્ડમાં તેમના નિર્માણાધીન મકાનને ધરાશાયી કરી નાંખ્યુ હતુ.
થોડા સમય અગાઉ ધોનીના મોટાભાઈ નરેન્દ્રસિંહે નારાજગી વ્યક્ત કરી હતી કે, માહી જ્યારે સારુ પ્રદર્શન કરે છે ત્યારે રાચીના લોકો તેને 'રાચીનો લાલ' કહે છે અને જ્યારે તેનુ પ્રદર્શન ખરાબ હોય ત્યારે શહેરીજનો તેના પરિવાર પર હુમલો કરે છે. જે સમયે હાઉસીંગ બોર્ડના મકાન પર હુમલો થયો ત્યારે દિવાલો નહીં પરંતુ અમારા હ્રદય તુટ્યાં હતા.