ઓસ્ટ્રેલિયામાં ૨૩ વર્ષ બાદ ભારતે ટ્રોફી જીતી, બીજી ફાઇનલમાં 9 રને વિજય, સચિન વધુ એક વખત નર્વસ નાઈન્ટીનો શિકાર થયો અને ભજજીએ ફરી વખત સાયમન્ડ્સને પાડયો. ટ્વેન્ટી-20 વિશ્વ કપ ભારતે જીત્યો અને ત્યારપછી અન્ડર-19 વિશ્વ કપ પર પણ ભારતે કબજો જમાવી લીધો હતો. બીજી તરફ સિબી સિરીઝમાં વન-ડેની વિશ્વ વિજેતા ટીમ ઓસ્ટ્રેલીયાને કારમો પરાજય આપ્યા બાદ હવે ભારત ક્રિકેટ જગતમાં વિશ્વ ચેમ્પીયન બનવા તરફ આગેકુચ કરી રહ્યુ હોય તેમ જણાય છે.
ઓસ્ટ્રેલિયામાં પહેલીવાર ત્રિકોણીય વન-ડે શ્રેણી જીતીને ભારતે મંગળવારે ઇતિહાસ સજર્યો હતો. અહીં રમાયેલી બીજી ફાઇનલમાં ધોનીની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 9 રનથી રોમાંચક પરાજય આપ્યો હતો. આ સાથે વન-ડે ક્રિકેટ ઇતિહાસમાં ભારતે 19મી વખત કોઇ ટુર્નામેન્ટ જીતવાની સિદ્ધિ નોંધાવી છે.
મેન ઓફ ધ મેચ પ્રવીણકુમારની વેધક બોલિંગ અને એ અગાઉ સચિન તેંડુલકરના 91 રનની મદદથી ભારતે આ સફળતા મેળવી હતી. ત્રિકોણીય વન-ડે શ્રેણીમાં સળંગ બે વર્ષથી ઓસ્ટ્રેલિયા ટાઇટલ જીતી શકયું નથી. ગયા વર્ષે ઇંગ્લેન્ડે તેને ફાઇનલ્સમાં હરાવ્યું હતું. આ વર્ષે ભારતે 2-0 થી બેસ્ટ ઓફ થ્રી ફાઇનલ શ્રેણી જીતી લીધી હતી. ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ભારતે 50 ઓવરમાં 9 વિકેટે 258 રન નોંધાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયા 49.4 ઓવરમાં 249 રનના સ્કોરે ઓલઆઉટ થઇ ગયું હતું.
259 રનના લક્ષ્યાંક સામે રમતાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. પ્રવીણકુમારે પહેલી ઓવરમાં જ એડમ ગિલક્રિસ્ટને આઉટ કર્યો હતો. આ સાથે ગિલક્રિસ્ટે ક્રિકેટની દુનિયામાંથી નિવૃતી લેતા તેની કારકિર્દીની પૂણાર્હુતિ થઇ ગઇ હતી. રિકી પોન્ટિંગ (01) ત્રીજી ઓવરમાં પ્રવીણકુમારનો શિકાર બન્યો હતો.
માઇકલ કલાર્ક પણ આઉટ થઇ જતાં ઓસ્ટ્રેલિયાએ 32 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. રવિવારની મેચની માફક આ વખતે પણ હેડન અને સાયમન્ડ્સે ચોથી વિકેટ માટે મોટી ભાગીદારી નોંધાવીને ટીમનો રકાસ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, હરભજને ફરીથી આ બંનેને ઉપરાઉપરી આઉટ કર્યા હતા. હેડને 55 રન ફટકાર્યા હતા તો સાયમન્ડ્સે 42 રન ફટકાર્યા હતા. હરભજને ફેંકેલી 26મી ઓવરમાં યુવરાજના એક શાનદાર થ્રોમાં હેડન રનઆઉટ થયો હતો અને એ જ ઓવરમાં ભજજીએ તેના કટ્ટર હરીફ સાયમન્ડ્સને લેગબિફોર કર્યો હતો.
માઇકલ હસ્સી અને જેમ્સ હોપ્સે સ્કોર 199 સુધી પહોંચાડયો હતો. 42મી ઓવરના છેલ્લા બોલે શ્રીસંતે ભારતને સફળતા અપાવતાં હસ્સીને આઉટ કર્યો હતો. હસ્સીએ 44 રન ફટકાર્યા હતા. એ પછી ઓસ્ટ્રેલિયાએ નિયત અંતરે વિકેટો ગુમાવી હતી. હોપ્સે એક છેડો સાચવી રાખ્યો હતો પરંતુ ઇરફાન પઠાણે છેલ્લી ઓવરમાં બે વિકેટ લઇને ટીમને વિજય અપાવ્યો હતો.
અગાઉ સચિન તેંડુલકરે ભારતના વિજયનો પાયો નાખ્યો હતો. કારકિદીર્માં 17મી વખત નર્વસ નાઇન્ટીનો શિકાર બનેલા સચિને 121 બોલમાં સાત બાઉન્ડ્રી સાથે 91 રન ફટકાર્યા હતા. તેને શરૂઆતમાં ઉથપ્પા (30)નો સહકાર સાંપડયો હતો. યુવરાજે આક્રમક બેટિંગ કરતાં 38 બોલમાં બે બાઉન્ડ્રી અને બે સિકસર સાથે 38 રન ફટકાર્યા હતા. સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ 37 બોલમાં 36 રન ફટકાર્યા હતા.
ભારતીય ટીમને જરૂર હતી ત્યારે જોરદાર ટીમવર્ક દાખવીને હરીફ ટીમને રમતના તમામ પાસામાં મહાત કરી દીધી હતી. ઓસ્ટ્રેલિયામાં 1979-80થી નિયમિતપણે દર વર્ષે ત્રિકોણીય વન-ડે ક્રિકેટ શ્રેણી યોજાય છે અને તેમાં ઓસ્ટ્રેલિયા 11મી વખત ફાઇનલ હાર્યું છે.
દેશભરમાં અને ઓસ્ટ્રેલિયામાં વસતા બિનનિવાસી ભારતીયોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું અને ચારેબાજુ આતશબાજી, ફટાકડાઓની ગુંજ સંભળાતી હતી. લોકો ચેમ્પિયનોને ધૂળ ચટાડવા બદલ એકબીજાને મિઠાઈ ખવડાવતા હતા
મેન ઓફ ધ મેચ યુવા ખેલાડી પ્રવિણકુમાર - ઇશાંત શર્માને ઈજા થતાં યુવા ખેલાડી પ્રવિણકુમારે પોતાના ખભે વધારાની જવાબદારી લઈ લીધી હતી અને ચાર મહત્ત્વની વિકેટ લઈ ઓસ્ટ્રેલિયાની કમર તોડી નાંખી હતી.
ભારતીય ટીમમાં આક્રામક યુવા ખેલાડીઓ તથા ધૈર્યવાન અનુભવી ખેલાડીઓ વચ્ચે અનોખો તાલમેલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ અન્ડર-19 વિશ્વ કપમાં ભારતની ટીમે વિજય પ્રાપ્ત લીધો હતો. જેથી આ ટીમના કિશોરવયના ખેલાડીઓએ આગામી ભારતીય ટીમ મજબુત જ છે તેવો અણસાર આપી દીધો છે.
ભારતીય ટીમના હાલના યુવા ખેલાડીઓ પણ એકદમ આક્રામક રીતે ક્રિકેટ રમી રહ્યા છે અને એક પછી એક સફળતાના શિખરો સર કરી રહ્યા છે. જેને જોતાં નજીકના ભવિષ્યમાં ઓસ્ટ્રેલીયા પાસેથી વિશ્વ વિજેતાનો ખિતાબ ભારત અવશ્ય છીનવી લેશે તેવુ જાણકારોનુ માનવુ છે.