1959-60ની સિઝનમાં ઈરાની ટ્રોફીની શરૂઆત થઈ. તે વર્ષે રણજી ટ્રોફી ટુર્નામેન્ટને 25 વર્ષ પૂરા થઈ રહ્યા હોઈ તેની સ્મૃતિમાં ઈરાની ટ્રોફીની શરૂઆત કરવામાં આવી. બીસીસીઆઈની સ્થાપનાના શરૂઆતના દિવસોમાં મહત્વનું યોગદાન આપનાર અને વર્ષો સુધી ક્રિકેટ બોર્ડમાં ખજાનચી તરીકે ફરજ નીભાવનાર ઝેડ.આર.ઈરાનીના નામ પરથી આ ટુર્નામેન્ટનું નામ ઇરાની ટ્રોફી રાખવામાં આવ્યું.
ઈરાની ટ્રોફીમાં ગત વર્ષની રણજી ટ્રોફીની વિજેતા ટીમ અને શેષ ભારતની ટીમ રમે છે. ઈરાની ટ્રોફીની શરૂઆત થઈ ત્યારથી ઘણા વર્ષો સુધી તે સીઝનના અંતે રમાતી રહી. પરંતુ તેની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને પાછળથી ઈરાની ટ્રોફી દરેક નવી રાષ્ટ્રીય ક્રિકેટ સિઝનની શરૂઆતમાં રમાડવાનું નક્કી કરવામાં આવ્યું.