છ વાઈબ્રન્ટ સમિટમાં ૩૦,૧૧૦ એમઓયુમાંથી ૧પર૯૦ પ્રોજેક્ટસ ઉત્પાદનમાં ગયા બાદ ૮ર૭ર પ્રોજેક્ટસ ખસી હયા
સોમવાર, 30 માર્ચ 2015 (14:52 IST)
ગુજરાત સરકારે કરોડો રૃપિયાનો ખર્ચ કરીને ર૦૦૩થી ર૦૧૩ દરમિયાન યોજેલી વાઈબ્રન્ટ સમિટમાં કુલ ૩૦,૧૧૦ એમઓયુ કરવામાં આવ્યાં હતા. જેના અડધા એટલે કે ૧પર૯૦ પ્રોજેક્ટસ જ ઉત્પાદનમાં ગયા હતાં. પરંતુ આ પ્રોજેક્ટસ ઉત્પાદનમાં ગયા બાદ તેના પ૦ ટકા એટલે કે ૮ર૭ર પ્રોજેક્ટ ખસી જતાં ગુજરાતને ઔદ્યોગિક વિકાસમાં મોટો ફટકો પડયો છે.
ગુજરાત સરકાર દ્વારા ર૦૦૩થી વાઈબ્રન્ટ સમિટ યોજવાનું શરૃ કરાયું છે. દર બે વર્ષે યોજવામાં આવતી આ વાઈબ્રન્ટ સમિટમાં દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ, મહાનુભાવો અને રાજદ્વારી નેતાઓને બોલાવીને તેમની સરભરા પાછળ પ્રજાના કરોડો રૃપિયાનું આંધણ કરવામાં આવે છે. સમિટ દરમિયાન ગુજરાતમાં ઔદ્યોગિક મૂડી રોકાણ માટે ઉદ્યોગગૃહો અને કંપનીઓ સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) કરવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા ગંજાવર રકમના એમઓયુ કરવામાં આવ્યા હોવાની જાહેરાતો પણ કરવામાં આવે છે.
પરંતુ સમિટ પૂર્ણ થયા બાદ એમઓયુ પૈકીના કેટલા પ્રોજેક્ટ ઉત્પાદનમાં ગયા અને તેમાંથી ખરેખર કેટલા પ્રોજેક્ટ કાર્યરત થયા તેની તપાસ કરવામાં આવે તો હકિકત કંઈક જુદી જ નીકળે છે. પીળું એટલું સોનું નહીં એમ એમઓયુ એટલાં ઉદ્યોગ નહીં જેવી સ્થિતિ આવીને ઉભી રહે છે.
ગુજરાત સરકારે સત્તાવાર રીતે આપેલી લેખીત માહિતી મુજબ ર૦૦૩થી ર૦૧૩ સુધીમાં વિવિધ પ્રોજેક્ટસ માટે કુલ ૩૦,૧૧૦ એમઓયુ કરવામાં આવ્યાં હતાં. જેમાં ર૦૦૩ના વાઈબ્રન્ટ સમિટમાં ૭૬ એમઓયુ, ર૦૦પમાં રર૬ એમઓયુ, ર૦૦૭માં ૩૬૩ એમઓયુ, ર૦૦૯માં ૩,૩૪૬ એમઓયુ, ર૦૧૧ની વાઈબ્રન્ટ સમિટમાં ૮,૩૮૦ અને ર૦૧૩ની વાઈબ્રન્ટ સમિટમાં ૧૭,૭૧૯ એમઓયુ કરવામાં આવ્યા હતાં.
પરંતુ આ એમઓયુ પૈકી કુલ ૧પ,ર૯૦ પ્રોજેક્ટસ જ ઉત્પાદનમાં ગયા હતાં. અને સૌથી કરૃણ સ્થિતિ એવી સર્જાઈ છે કે ઉત્પાદનમાં ગયેલા ૧પ,ર૯૦ પ્રોજેક્ટસ પૈકી ૮,ર૭ર પ્રોજેક્ટ બાદમાં ખસી ગયા છે. મતલબ કે ૮,ર૭ર પ્રોજેક્ટનું અચ્યુતમ કેશવમ થઈ જતાં હવે તે કદી શરૃ થાય તેવી શક્યતાં જ નથી. ઉત્પાદનમાં ગયા બાદ ખસી ગયેલા પ્રોજેક્ટ્સની વાઈબ્રન્ટ સમિટ પ્રમાણે સંખ્યા જોઈએ તો ર૦૦૩માં ૩૩ પ્રોજેક્ટસ, ર૦૦પમાં ૯ર પ્રોજેક્ટસ, ર૦૦૭માં ૧૬૯ પ્રોજેક્ટસ, ર૦૦૯માં ૯પ૧ પ્રોજેક્ટસ, ર૦૧૧માં ૩,૦પ૮ પ્રોજેક્ટસ અને ર૦૧૩માં ૩,૯૬૯ પ્રોજેક્ટસ ઉત્પાદનમાં ગયા બાદ ખસી ગયા છે.
આમ, એક તો કુલ એમઓયુના પ૦ ટકા પ્રોજેક્ટસ જ ઉત્પાદનમાં ગયા અને ઉત્પાદનમાં ગયેલા પ્રોજેક્ટસ પૈકીના પ૦ ટકા પ્રોજેક્ટસ બાદમાં ખસી ગયા. એટલે કે એમઓયુ પૈકીના રપ ટકા પ્રોજેક્ટસ જ ઉત્પાદનમાં ગયા છે. હવે તેમાંથી કેટલાનું અમલીકરણ થાય અને ખરેખર કેટલા પ્રોજેક્ટ ઉત્પાદનના સ્ટેજે પહોંચે તે જોવું રહ્યું. જો ખરેખર અમલીકરણ થયું હોય તેનો આંકડો તપાસવામાં આવે તો દસ ટકાથી વધુ ન હોવાની શકયતાં છે.