શુક્રવારે 700 અંકથી વધુ તૂટી ગયો સેસેક્સ, આ છે ઘટાડાના મોટા ફેક્ટર

શુક્રવાર, 17 ડિસેમ્બર 2021 (17:12 IST)
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે ફરી એકવાર ભારતીય શેરબજારમાં વેચવાલીનો દબદબો રહ્યો હતો. શુક્રવારના કારોબારમાં સેન્સેક્સ 1.15 ટકા અથવા 700 પોઈન્ટથી વધુ ઘટીને 57,200 પોઈન્ટના સ્તરે રહ્યો હતો. નિફ્ટીની વાત કરીએ તો 1 ટકાથી વધુ ઘટીને 17 હજાર પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો છે. પ્રશ્ન એ છે કે આ ઘટાડાનું કારણ શું છે.
 
શુ છે ઘટાડાનુ કારણ : માર્કેટમાં ઘટાડાનું સૌથી મોટું કારણ યુએસ સેન્ટ્રલ બેંક ફેડ રિઝર્વનો નિર્ણય છે. વાસ્તવમાં, એવી અપેક્ષા હતી કે યુએસ ફેડ વ્યાજ દરોમાં ફેરફાર કરશે, પરંતુ તેનાથી વિપરીત, વ્યાજ દર 0.00-0.25 ટકા પર યથાવત છે. સેન્ટ્રલ બેંકે કહ્યું કે તે ટેપરિંગને બમણું કરશે. આ સાથે, ફેડ રિઝર્વે એ પણ કહ્યું કે આગામી વર્ષે તે વધુ ઝડપથી વ્યાજદર વધારવાની તૈયારી કરશે. 
 
આ સિવાય વધતી જતી મોંઘવારી વચ્ચે બેન્ક ઓફ ઈંગ્લેન્ડે તેના બેન્ચમાર્ક રેટ 0.10 ટકાથી વધારીને 0.25 ટકા કરવાનો નિર્ણય લીધો છે. જેના કારણે ભારતીય શેરબજારને પણ અસર થઈ છે.
 
કોરોનાના નવા વેરિઅન્ટ Omicron ને કારણે ભારતીય શેરબજારમાં સુસ્તી જોવા મળી હતી. ખરેખર, ભારતના વિવિધ ભાગોમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ વધી રહ્યા છે. જેના કારણે રોકાણકારોમાં ઘણી ચિંતાઓ ઉભી થઈ છે. નિષ્ણાતોનો દાવો છે કે આના કારણે કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. આ જ કારણ છે કે શેરબજારમાં વેચવાલી જોવા મળી રહી છે.
 
સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, HUL, કોટક મહિન્દ્રા, ટાઈટન કંપની, HDFC સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 4.71 ટકા ઘટી 885.00 પર બંધ રહ્યો હતો. HUL 3.41 ટકા ઘટી 2230.85 પર બંધ રહ્યો હતો. જોકે ઈન્ફોસિસ, HCL ટેક, પાવર ગ્રીડ કોર્પ, સન ફાર્મા, TCS સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ઈન્ફોસિસ 2.91 ટકા વધી 1823.00 પર બંધ રહ્યો હતો. HCL ટેક 0.96 ટકા વધી 1171.60 પર બંધ રહ્યો હતો.
 
ગુરુવારે વધારા સાથે બંધ થયું હતુ બજાર
ગુરુવારે સેન્સેક્સ 113 અંક વધી 57901 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 27 અંક વધી 17248 પર બંધ થયો હતો. સવારે સેન્સેક્સ 400 અંક વધ્યો હતો. જોકે બપોર પછી તેમાં ઘટાડો નોંધાયો હતો. અંતે તે વધીને બંધ રહ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર