નાગરિકોને સરળતાથી નોન-જયુડીશીયલ સ્ટેમ્પ પેપર મળી રહે તે માટે ૧૭૫ લાયસન્સ તાત્કાલિક ધોરણે કરાયા મંજુર

સોમવાર, 21 ઑક્ટોબર 2019 (11:28 IST)
ગુજરાત સ્ટેમ્પ વેચાણના નિયમોમાં સુધારો કરી ફીઝીકલ નોન-જયુડીશીયલ સ્ટેમ્પ પેપરનું વેચાણ બંધ કરવામાં આવ્યું છે પરંતુ અમદાવાદ જિલ્લામાં નાગરિકોને સરળતાથી  નોન-જયુડીશીયલ સ્ટેમ્પ પેપર મળી રહે તે માટે જિલ્લા કલેકટર ડૉ. વિક્રાંત પાંડેના માર્ગદર્શન હેઠળ નાયબ કલેકટરશ્રીની કચેરી સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન તંત્રએ આયોજન હાથ ધરી કાર્યવાહી હાથ ધરી છે. તા.૧૮/૧૦/૨૦૧૯ સુધીમાં ઇ-સ્ટેમ્પીંગ લાયસન્સ મેળવવા માટે ૫ (પાંચ) સ્ટેમ્પ વેન્ડર, ૧૬૦ નોટરી, ૧૬ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ૫ (પાંચ) કંપની સેક્રેટરી તેમજ ૦૪ બેંકો દ્વારા જે અરજીઓ આવી હતી તે પૈકી ૧૭૫ અરજીઓને લાયસન્સ ઇસ્યુ કરવા માટે સુપ્રિ. ઓફ સ્ટેમ્પ્સની કચેરી, ગાંધીનગર દ્વારા તાત્કાલિક ધોરણે મંજુરી આપી છે. ૭૦ જેટલા અરજદારોને USER ID અને  PASSWORD ફાળવી દેવામાં આવ્યા છે. આમ, હાલમાં ૭૦ જેટલા નવા ACC સેન્ટર પરથી પણ  સ્ટેમ્પ મળી શકે છે.
 
નાયબ કલેકટરની કચેરી સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન તંત્રના અધિકારીએ  જણાવ્યું કે, સરકાર દ્વારા લેવામાં આવેલ નિર્ણય અન્વયે તા.૦૧/૧૦/૨૦૧૯ બાદ અમદાવાદ જિલ્લામાં તા.૧૮/૧૦/૨૦૧૯ ના રોજ ૧૨.૦૦ કલાક સુધીમાં અંદાજે ૩૭,૪૭૬ જેટલા ઇ-સ્ટેમ્પીંગ સર્ટીફીકેટ ઇસ્યુ કરવામાં આવ્યા છે. આમ, અંદાજે સરેરાશ પ્રતિ દિન ૨,૯૦૦ ઇ-સ્ટેમ્પીંગ સર્ટીફીકેટ ઇસ્યુ  કરવામાં આવ્યા છે. તા.૦૧/૧૦/૨૦૧૯ થી તા.૧૮/૧૦/૨૦૧૯ સુધી ૧૩,૦૬૧ જેટલા દસ્તાવેજોની  નોંધણી કરવામાં આવી છે. જેમાં ઇ-સ્ટેમ્પીંગ સર્ટીફીકેટ આધારે રૂા.૧૨.૮૧ કરોડ અને ફ્રેન્કીંગ આધારે  રૂા.૯૪.૭૭ કરોડની વસુલાત થયેલ છે. 
 
સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન તંત્રના અધિકારીના જણાવ્યા મુજબ,  હાલમાં અમદાવાદમાં કુલ-૬૦ જેટલા ઇ-સ્ટેમ્પીંગ કેન્દ્રો તેમજ કુલ-૧૬૯ જેટલી બેંકોમાં  ફ્રેન્કીંગ મશીનની સુવિધા ઉપલબ્ધ છે. જેઓ પાસેથી જાહેર જનતા સ્ટેમ્પની ખરીદી કરી શકે છે.અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા સ્ટેમ્પ વેન્ડર, નોટરી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી તેમજ બેંકોને પણ ઇ- સ્ટેમ્પીંગ લાયસન્સ આપવાનું નકકી કરવામાં આવેલ છે.
 
અમદાવાદ જિલ્લાની કોર્ટમાં સ્ટેમ્પ વેન્ડર્સ નોન-જયુડીશીયલ અને જયુડીશીયલ સ્ટેમ્પનું વેચાણ કરી શકે છે. સ્ટેમ્પ વેન્ડર્સે તા.૦૧/૧૨/૨૦૧૯ બાદ નોન-જયુડીશીયલ ફીઝીકલ સ્ટેમ્પનું વેચાણ  બંધ કરવાનું છે. પરંતુ, તેઓએ તા.૦૧/૧૨/૨૦૧૯ બાદ જયુડીશીયલ સ્ટેમ્પ તેમજ કોર્ટ ફી લેબલ  વિગેરેનું વેચાણ ચાલુ રાખવાનું છે.
 
અમદાવાદમાં મિરઝાપુર કોર્ટમાં સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઇન્ડિયા લીમીટેડ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી  ઇ-સ્ટેમ્પીંગ કાઉન્ટર કાર્યરત કરેલ છે. સાથો-સાથ લાલદરવાજા ખાતે આવેલ અપના બજારના પાંચમાં માળે સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે ઇ-સ્ટેમ્પીંગ  કાઉન્ટરની સુવિધા  ઉપરાંત, લાલદરવાજા ખાતે આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા  તેમજ કર્મચારી કો.ઓપ.બેંક લીમીટેડમાં, મેટ્રોપોલીટન અને એક્ઝિકયુટીવ મેજીસ્ટ્રેટની કોર્ટ, ઘી-કાંટા ખાતે આવેલ સબ-રજીસ્ટ્રાર કચેરી, અમદાવાદ-૧ (સીટી) ખાતે પણ ઇ-સ્ટેમ્પીંગ કાઉન્ટરની સુવિધા ઉપલબ્ધ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર