કેગના રીપોર્ટમાં ખુલાસોઃ સરકારે લાઇસન્સ વિનાની ફાર્મસી પાસેથી સરકારે રૂ.5 કરોડની દવા ખરીદી

શનિવાર, 26 સપ્ટેમ્બર 2020 (14:53 IST)
વિધાનસભાના ચોમાસુ સત્રના અંતિમ દિવસે રજૂ થયેલાં કેગના રિપોર્ટમાં આયુષ મંત્રાલયના ભોપાળા ખુલ્યાં છે. એવો ખુલાસો થયો છેકે, આયુવેર્દ દવાઓ ગુણવત્તા વિનાની છે. હદ તો ત્યારે થઇ કે, લાયસન્સ વિનાની ફાર્મસી પાસે જ ખુદ સરકારે જ રૂા.5 કરોડની આયુર્વેદ દવાઓની ખરીદી કરી હતી. આયુર્વેદ દવાઓની ગુણવત્તા અને  ફ્રાર્મસી પર દેખરેખ રાખવા માટે સરકાર પાસે કોઇ માળખુ જ ઉપલબૃધ નથી.  કોરોનાની મહામારીમાં લોકોને આયુર્વેદ પર વધુ ભરોસો રહ્યો છે. ખુદ રાજ્ય આરોગ્ય વિભાગ પણ આયુર્વેદ ઉકાળા-દવાઓનુ વેચાણ કરી રહ્યુ છે. જોકે, કેગના રિપોર્ટમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છેકે, અમદાવાદમાં ઓઢવ વિસ્તારમાં આવેલી  ગુજરાત આયુર્વેદિક વિકાસ મંડળ ફાર્મસીનુ લાયસન્સ  સમાપ્ત થઇ ગયુ હતું. આ ફાર્મસી પાસે લાયસન્સ ન હોવા છતાંય વર્ષ 2017- 18 અને વર્ષ 2018-19માં  ગુજરાત સરકારે રૂા.1.34 કરોડની દવાઓ ખરીદી હતી.  આ જ પ્રમાણે, આયુર્વેદ ફાર્મસી-જામનગર પાસે વર્ષ 2005 પછી માન્ય લાયસન્સ જ  ન હતુ આમ છતાંય સરકારે  આ ફાર્મસી પાસેથી રૂા.3.78 કરોડના આયુર્વેદ ઔષધોની ખરીદી કરી હતી. આવી ગેરરીતી બદલ કેગના રિપોર્ટમાં એવી ટિપ્પણી કરવામાં આવી હતી કે, રાજ્યમાં આર્યુવેદ ઐાષધોનુ ગેરકાયદેસર ઉત્પાદન નિવારવા અને માન્ય લાયસન્સ ધરાવતી જ આયુર્વેદ ફાર્મસી જ કાર્યરત રહે તે સુનિશ્ચિત કરવા સરકાર પાસે માળખુ જ નથી.  નવાઇ ની વાત એછેકે, સરકારને જ  આયુર્વદ ઔષધો પુરા પાડવામાં આવ્યાં તેના પર એકસપાયરી ડેટ દર્શાવાઇ ન હતી. આમ  છતાંય સરકારે ઐાષધોની ખરીદી કરી તે શંકાને પ્રેરે છે. આયુર્વદ ઔષધોની ચકાસણી કરાઇ ત્યારે એ વાત પણ માલુમ પડી કે, ગુણવત્તા જ નથી. 1520 નમૂના પૈકી 87 દવાના નમૂના નોટ ઓફ સ્ટાન્ડર્ડ કવોલિટીના જોવા મળ્યા હતાં. ડ્રગ્સ ઇન્સપેક્ટરો પણ આયુર્વેદ દવાના ઉત્પાદન કરતા એકમો પર ચકાસણી જ કરતાં નથી. આમ,આયુષ વિભાગની પોલંપોલ કેગના રિપોર્ટમાં બહાર આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર