કચ્છમાં ભારે વરસાદે સર્જી તારાજી, ખેતી બરબાદ, ઉદ્યોગોને કરોડોનું નુકસાન

શનિવાર, 31 ઑગસ્ટ 2024 (18:45 IST)
અનાધાર વરસાદ અને તેના લીધે આવેલા પૂરના કારણે કચ્છ જિલ્લામાં જનજીવનને વ્યાપક અસર થઈ છે. સમગ્ર જિલ્લામાં વરસાદના કારણે જાનમાલને નુકસાન થયું છે અને કેટલાય લોકોને હજુ પણ ફસાયેલા છે.
 
બીબીસી સહયોગી પ્રશાંત ગુપ્તાના જણાવ્યા અનુસાર, ''લખપત, માંડવી, મુંદ્રા અને જખૌના કાંઠાવિસ્તારનાં ગામો હજુ પણ પાણીમાં ગરકાવ છે. અહીં ત્રણથી ચાર ફૂટ પાણી છે અને લોકો મદદની રાહ જોઈ રહ્યા છે. રસ્તોઓ તૂટી જતાં અને ઘણી જગ્યાએ પાણી ભરાઈ જતાં આ ગામોમાં પહોંચવું મુશકેલ થઈ ગયું છે.''
 
સમગ્ર કચ્છમાં મોટા પ્રમાણમાં આંતરિક રસ્તાઓ તૂટી ગયા છે અને ઘણી જગ્યાએ કોઝવે ધોવાઈ ગયા છે, જેના કારણે જિલ્લામાં અવજ-જવર કરવી મુશકેલ બની ગઈ છે. શહેરી વિસ્તારમાં વીજ પુરવઠો પૂર્વવત્ બની ગયો છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં અને નાનાં નગરોમાં જીનજીવન ખોરવાયેલું છે.
 
સમાચાર સંસ્થા એએનઆઈ સાથે વાત કરતા શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરિયા જણાવ્યું, ''અમે ગ્રામ પંચાયતોને ગ્રાંટો આપી છે, જેથી તેઓ પોતાના વિસ્તારમાં સાફ-સફાઈ કરાવી શકે અને દવાનો છંટકાવ કરી શકે. માર્ગ અને મકાન વિભાગને નુકસાન પામેલા રસ્તાઓને વહેલી તકે રિપેર કરવાની સૂચના આપવામાં આવી છે.''
 
કચ્છ જિલ્લા વહીવટી તંત્ર અનુસાર માંડવી, અબડાસા, મુન્દ્રા અને ભુજ તાલુકાઓમાં નીચાણવાળા વિસ્તારમાંથી તથા કાચાં મકાન ધરાવતા 800 નાગરીકોનું સ્થળાંતર કરીને સલામત સ્થળે આશ્રય આપવામાં આવ્યો છે. જિલ્લામાં 345 મેડીકલ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવી છે.
 
કચ્છ પૂર્વ એસપી સાગર બાગમરે કહ્યું કે જિલ્લામાં વરસાદનું જોર ઘટ્યું છે ત્યારે લોકોને મદદ મળી રહે તે માટે પોલીસ અને વહીવટી તંત્ર કામ રહ્યા છે. સમગ્ર જિલ્લામાં પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે.
 
તેમણે લોકોને હજુ પણ બે-ત્રણ દિવસ સુધી ઘરમાં રહેવાની અપીલ કરી છે.
 
કચ્છ જિલ્લામાં રવિવાર સાંજથી રૅકોર્ડ વરસાદ પડતાં ભયાનક પૂરની સ્થિતિ સર્જાઈ હતી. મંગળવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવારે જિલ્લામાં અતિ ભારે વરસાદ પડ્યો હતો, જેની સીધી અસર જનજીવન પર થઈ હતી.
 
હવામાન વિભાગ અનુસાર ચાર દિવસથી જિલ્લામાં દૈનિક ધોરણે 250 મી.મી.થી લઇને 390 મી.મી. વરસાદ પડવાના કારણે નદીઓ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવ્યું હતું અને રહેણાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં.
 
હવામાન વિભાગ અનુસાર પહેલી જૂનથી લઈને 30 ઑગસ્ટ સુધી કચ્છ જિલ્લામાં 781 મી.મી. વરસાદ પડ્યો છે 134 ગણો વધુ છે. કચ્છમાં આ સમયગાળામાં સરેરાશ 334.2 મી.મી. વરસાદ થાય છે. કચ્છ જિલ્લામાં શુક્રવારે 81.6 મી.મી. વરસાદ પડ્યો હતો જે સરેરાશ વરસાદ કરતા 871 ગણો વધુ છે. કચ્છમાં સામાન્ય રીતે સરેરાશ 8.4 મી.મી. વરસાદ પડતો હોય છે.
 
ભારે વરસાદને પગલે ભૂજ, ગાંધીધામ, નખત્રાણા, અબડાસા, લખપત, માંડવી અને મુંદ્રા તાલુકાઓમાં ભારે વરસાદના કારણે પાંચથી છ ફૂટ પાણી ભરાઈ ગયાં હતાં. શહેરો અને ગામડાં જળબંબાકાર થઈ જતાં લોકો ઘરોમાં કેદ થઈ ગયા હતા.
 
વરિષ્ઠ પત્રકાર ગીરીશ જોષી કહે છે, ''અબડાસા, મુંદ્રા અને માંડવી તાલુકાઓમાં સૌથી વધુ નુકસાન થયું છે. અબડાસા તાલુકાનાં કેટલાંક ગામો હજુ પણ ગળાડુબ પાણીમાં છે. આ ગામોમાંથી પાણી કાઢવાની કોઈ ખાસ વ્યવસ્થા નથી અને હજુ સુધી સ્થિતિને સુધારતાં ત્રણથી ચાર દિવસ લાગશે.''
 
''આ ગામોમાં પ્રવેશનો કોઈ વિકલ્પ ન હોવાના કારણે ગામલોકો સુધી સુવિધા પહોંચી શકી નથી. સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ અને પાણી ભરાવવાના કારણે મોટી સંખ્યામાં ઘરો તૂટી પડ્યાં છે. હજુ સુધી કોઈ સર્વે ન થવાના કારણે કોઈ ચોક્કસ આંકડો આવ્યો નથી.''
 
ગાંધીધામ સહિતના શહેરી વિસ્તારોમાં વીજપુરવઠો પૂર્વવત્ થઈ ગયો છે. કેટલાક વિસ્તારોમાં વીજળી વિભાગના કર્મચારીઓ પહોંચી શક્યા નથી ત્યાં હજુ પણ અંધારપટ છે.
 
મંત્રી પાનશેરિયા જણાવે છે, ''અબડાસા, નલિયા, માંડવી અને જખૌમાં વીજળી પૂર્વવત્ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. 180 ગામોમાં વહેલી તકે વીજળી મળી જાય તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ગામોમાં વીજળીનો સપ્લાય વહેલી તકે શરૂ કરવા માટે વિવિધ ટીમો કામે લગાડી છે.''

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર