ગુજરાતી NRIની ડિપોઝિટમાં મોટો ઘટાડો નોંધાયો; 2019માં 7977 કરોડ જમા થયા હતાં તેની સામે 2020માં 74 કરોડ આવ્યા

સોમવાર, 28 જૂન 2021 (09:11 IST)
રાજ્યમાં 2019-2020મા NRI ડિપોઝિટ રૂ. 7977 કરોડ જમા થઈ હતી, જેની સામે વર્ષ 2020-21માં માત્ર રૂ. 74 કરોડ NRI ડિપોઝિટ જમા થઈ છે. અગાઉના વર્ષની સરખામણીએ NRI ડિપોઝિટ જમા થવામાં 99 ટકાનો ઘટાડો છે. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીના તાજેતરના અહેવાલમાં આ વિગતો બહાર આવી છે. છેલ્લાં 10 વર્ષમાં રાજ્યમાં NRI ડિપોઝિટમા આ સૌથી ઓછો વધારો છે. રાજ્યમાં કુલ એન.આર.આઈ. ડિપોઝિટ રૂ. 80,183 કરોડ છે. 2010-11મા આ આંકડો રૂ્ 22,976 કરોડ હતો. 10 વર્ષમાં ડિપોઝિટમા ચાર ગણો વધારો થયો છે.

સૌથી મોટો વધારો 2013-14મા રૂ. 13,839 કરોડનો થયો હતો. 2018-19માં રૂ. 449 કરોડ જમા ‌થયા હતા. રાજ્યમાં સૌથી વધુ ડિપોઝિટ અમદાવાદ જિલ્લામાં રૂ. 16,828 કરોડ છે. બીજા નંબરે કચ્છ જિલ્લામાં રૂ. 13,726 કરોડ‌ છે. રાજ્યની કુલ ડિપોઝિટના 83 ટકા 7 જિલ્લામાં છે, જેમાં અમદાવાદ, કચ્છ, વડોદરા, આણંદ, રાજકોટ, સુરત, નવસારી જિલ્લાઓ છે.બેન્કિંગક્ષેત્રના અધિકારીએ જણાવ્યું હતું કે વિદેશમાં પણ ધંધા-રોજગાર બંધ હતા એટલે હાથ બાંધી રાખ્યા હોઈ શકે. બહાર રહેતા લોકો ‌ગુજરાતમા એ રકમ ડિપોઝિટ કરતા હોય છે જે મોટે ભાગે બચત કે ઇન્વેસ્ટમેન્ટ માટે હોય છે. બીજા દેશમાં રહીને અહીં રકમ જમા કરાવવા જેટલી સરળ ઉપાડવાની પ્રક્રિયા નથી. ઉપરાંત વચ્ચે ડૉલરનો‌‌ ભાવ પણ ગગડી ગયો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર