GSTમાં દવા પ્રોડક્ટની MRPને મુદ્દે વિવાદ વધવાની શક્યતા

બુધવાર, 10 મે 2017 (13:03 IST)
GSTમાંમહત્તમ છૂટક કિંમત તમામ વેરાઓ સહિતની અત્યાર સુધીમાં પ્રવર્તતી પ્રથા મુજબ દવાઓ વેચવાની સુવિધા જ ન હોવાને પરિણામે દવાના વેપારીઓને GSTની નવી અમલમાં આવી રહેલી સિસ્ટમ વખતે વધુ તકલીફ પડવાની સંભાવના રહેલી છે. અત્યારે દવાની સ્ટ્રીપ પર લખવામાં આવતી કિંમતમાં તમામ વેરાઓ ઉમેરાઈ જાય છે. તેથી છાપેલી જ કિંમત કેમિસ્ટોએ લેવાની રહે છે. પરંતુ GSTમાં આ વ્યવસ્થા ન હોવાથી દવા પર વેરો કઈ રીતે વસૂલવો તે એક સવાલ થઈ જશે.

દવાની સ્ટ્રીપ પર છાપેલી કિંમત ઉપરાંત તેઓ જીએસટી લઈ જ શકશે નહિ. છાપેલી કિંમત ઉપરાંત વેરો લેવામાં આવશે તો દવા ખરીદનાર કેમિસ્ટ સામે કાનૂની વિવાદ ખડો કરી શકશે. GSTપ્રથાનો અમલ કરવો હશે તો માત્ર દવા જ નહિ, તમામ વસ્તુઓના પેકિંગ પર મેક્ઝિમમ રિટેઈલ પ્રાઈસ નહિ, પરંતુ રેકમન્ડેડ રિટેઈલ પ્રાઈસ અને જીએસટી એક્સ્ટ્રાનું લખાણ છપાવવું પડશે. આમ મેક્ઝિમમ રિટેઈલ પ્રાઈસ ઇન્ક્લુડિંગ ઑલ ટેક્સિસની પ્રથાને તિલાંજલી આપવી પડશે. વિશ્વના જે દેશોમાં જીએસટીનો અમલ કરવામાં આવ્યો છે તે તમામ દેશોમાં આ જ વ્યવસ્થા દાખલ કરવામાં આવેલી છે.

દવાઓની એક્સપાયરી ડેટ હોય છે. આ દવાઓ સામાન્ય રીતે મેન્યુફેક્ચરિંગ થયા પછીના ૧૨થી ૩૬ મહિનામાં વાપરી નાખવાની હોય છે. ડ્રગ એન્ડ કોસ્મેટિક્સ એક્ટની જોગવાઈ હેઠળ એક્સપાયરી ડેટવાળી દવાઓને સાઈડ પર મૂકી દેવી પડે છે. આ દવાઓ વેચાઈ ન હોવાનું જે તે મેન્યુફેક્ચરર્સને તેણે જણાવી દેવાનું હોય છે. ત્યારબાદ કેમિસ્ટ આ દવાઓ મેન્યુફેક્ચરર્સેને પરત મોકલી આપે છે. આ પરિસ્થિતિમાં જમા કરાવી દેવામાં આવેલા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની ખોટ કોઈને પણ ન ખમવી પડે તે અંગે જીએસટીના કાયદાના અમલીકરણ પૂર્વે જ સ્પષ્ટતા કરી દેવી જોઈએ,એમ ફેડરેશન ઑફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિયેશને નાણાં મંત્રી અરુણ જેટલીને લખેલા પત્રમાં જણાવ્યું છે.

કોમ્પોઝિશનના એટલે કે લમસમ જીએસટી ભરી દેવાના વિકલ્પનો આશરો લેનારા વેપારીઓએ માત્ર નક્કી કરી આપવામાં આવેલા દરે જ ટેક્સ જમા કરાવી દેવાનો રહેશે. આ માલ ખરીદતી વેળાએ જમા કરાવેલા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની કોઈ જ ઇનપુટ ટેક્સ ક્રેડિટ તેમને મળવાપાત્ર રહેશે નહિ. આ સ્થિતિમાં જો એમ.આર.પી. ઇન્ક્લુઝિવ ઑફ ઓલ ટેક્સની પ્રથા ચાલુ રાખવામાં આવશે તો તેવા સંજોગોમાં દવાના વેચાણકારોએ લમસમનો વિકલ્પ પસંદ કર્યો હોવા છતાંય તેઓ ગ્રાહકો પાસેથી જીએસટી વસૂલ પણ કરી જ શકશે. આ રકમ સરકારમાં પણ જમા થશે નહિ. તેથી ગ્રાહકો અને કેમિસ્ટો તથા અન્ય કોમોડિટીના સંદર્ભમાં વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે કાનૂની વિખવાદો થશે.

વેબદુનિયા પર વાંચો