મચ્છરોને ખાઇ જતો કે ગુજરાતનો એક માત્ર માંસાહારી છોડ લુપ્ત થવાની કિનારીએ

મંગળવાર, 21 એપ્રિલ 2015 (15:16 IST)
ગુજરાતમાં જમીન પર ઉગતા સેંકડો પ્લાન્ટસમાંથી એક જ પ્લાન્ટ એવો છે જે મચ્છરોનુ ભક્ષણ કરીને જીવે છે. ૨૦૦૫ બાદ પહેલી વખત એમ.એસ.યુનિવર્સિટીના સંશોધકોને આ પ્લાન્ટ જોવા મળ્યો છે. સંશોધકોનુ કહેવુ છે કે ગુજરાતનો એક માત્ર આ નોનવેજીટેરીયન પ્લાન્ટ હવે લુપ્ત થવાની કગાર પર છે.

ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા ગુજરાતમાં ઉગતા પ્લાન્ટસ અને તે પૈકી કયા પ્લાન્ટસ પર લુપ્ત થવાનુ જોખમ તોળાઈ રહ્યુ છે તે જાણવા માટે એમ.એસ.યુનિવર્સિટીના બોટની વિભાગને ૧૯ લાખ રુપિયાની ગ્રાંટ આપવામાં આવી હતી.
બોડની વિભાગના વરિષ્ઠ અધ્યાપક પીએસ નાગર અને તેમના માર્ગદર્શન હેઠળ પીએચડી સ્ટુડન્ટસ કરણ રાણા અને સંકેત જયસ્વાલે આ પ્રોજેક્ટ પુરો કર્યો છે.જેમાં સંશોધકોએ  ગુજરાતમાં વિવિધ સ્થળોએ ઉગતા ૨૮૦૦ જેટલા પ્લાન્ટસ પૈકી એવા ૪૦ જેટલા પ્લાન્ટસની પ્રજાતિઓને ભયજનક એટલે કે લુપ્ત થવાની શક્યતા ધરાવતી કેટેગરીમાં મુકી છે.

પ્રો.નાગર કહે છે કે આ પૈકી વલસાડ નજીક ધરમપુરના જંગલોમાં શંકરધોધ પાસે જોવા મળેલી ડ્રોસેરા ઈન્ડિકા નામના પ્લાન્ટસે અમને આશ્ચર્યમાં મુક્યા હતા.કારણકે ગુજરાતમાં આ એક માત્ર પ્લાન્ટ એવો છે જે પોષણ મેળવવા માટે મચ્છરોનો શિકાર કરે છે.માત્ર એક ઈંચના કદનો પ્લાન્ટસ ઓક્ટોપસને મળતો આવે છે.તેના જે હિસ્સા પર મચ્છર બેસે તે હિસ્સા આપોઆપ વળી જાય છે અને મચ્છરને પોતાના ફંદામાં ફસાવે છે.વરસાદની સીઝન પુરી થવા આવે ત્યારે આ પ્લાન્ટ ઉગતો હોય છે અને તેનુ આયુષ્ય લગભગ બે મહિનાનુ હોય છે.આ પ્લાન્ટ ૪૦૦થી ૫૦૦ ફૂટની ઉંચાઈએ અને ભેજવાળા વાતાવરણમાં ઉગે છે.
તેમનુ કહેવુ છે કે આ પ્લાન્ટસ પણ લુપ્ત થઈ રહેલી પ્રજાતિઓની કેટેગરીમાં આવે છે.આ પહેલા ૨૦૦૫માં વીર નર્મદ યુનિ.ના અધ્યાપક પ્રો.પરબીયાને આ પ્લાન્ટ જોવા મળ્યો હતો.એ પછી પહેલી વખત આ પ્લાન્ટ અમારી ટીમે જોયો છે. જોકે માત્ર ૩૦ મીટરના વિસ્તારમાં જ તે ઉગેલો હતો.

લુપ્ત થતી પ્રજાતિઓ પર પ્રોજેક્ટ હાથ ધરનાર સંશોધકોનુ કહેવુ છે કે વનસ્પતિઓનુ બે પ્રજાતિઓ એવી છે જે હવે ગુજરાતમાં ક્યાંય જોવા મળતી નથી.એકનુ નામ શેરોપેજીયા ઓડોરેટા છે.જેને ગુજરાતમાં કુંઢેર કહેવાય છે.આ કંદમૂળ છે.જે ખાધા પછી કલાકો સુધી ભૂખ નથી લાગતી.લોકવાયકા એવી છે કે ભગવાન રામે જંગલમાં વસવાટ દરમ્યાન આ વનસ્પતિના કંદમૂળ ખાધા હતા.છેલ્લે પાવાગઢના જંગલોમાં ૧૯૭૧માં આ વનસ્પતિ જોવા મળી હતી. આ જ રીતે કોમીફોરા સ્ટોકસીઆના એટલે કે મીઠો ગૂગળ પણ ક્યાંય જોવા મળતો નથી.તેને પણ લુપ્ત થયેલી પ્રજાતિઓમાં મુકી શકાય.
 

વેબદુનિયા પર વાંચો