અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે વર્ષ 2021-22 માટેનું રૂ. 7475 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું, કર વેરામાં કોઈ વધારો નહીં
બુધવાર, 24 માર્ચ 2021 (15:38 IST)
કોરોના મહામારીને કારણે આ વર્ષના બજેટમાં 1432 કરોડનો ઘટાડો થયો
વોટર અને કોન્ઝર્વન્સી ટેક્સમાં કોઈ વધારો નહીં, વાહન વેરા દરમાં કોઈ વધારો નહીં
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2021-22નું ડ્રાફટ બજેટ આજે બુધવારે મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે રજૂ કર્યું હતું. કમિશનરે રૂ. 7475 કરોડનું બજેટ રજૂ કર્યું છે. ડ્રાફ્ટ બજેટમાં કમિશનરે અમદાવાદીઓને રાહત આપતાં સામાન્ય વેરા, વોટર કન્વેરઝેશન દર અને વાહનવેરામાં કોઈ વધારો કર્યો નથી. ગત વર્ષે પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ રૂ. 8907.32 કરોડનું બજેટ રજૂ કર્યું હતું જેમાં રૂ. 777.67 કરોડનો વધારો શાસક પક્ષે કર્યો હતો અને રૂ. 9685 કરોડનું બજેટ મંજુર કર્યું હતું. જેમાં મોટાભાગના કામ કોરોના મહામારીના કારણે બાકી રહી ગયાં છે. કોરોનાં મહામારીના કારણે બજેટનું કદ ગત વર્ષ કરતા ઘટ્યું છે. ગત વર્ષ કરતા રૂ. 1432 કરોડના ઘટાડા સાથે બજેટ મુકેશકુમારે રજૂ કર્યું છે.