ગુજરાત સરકારની મોટી જાહેરાત

શનિવાર, 16 માર્ચ 2024 (10:35 IST)
ગુજરાત રાજ્યમાં આગામી 18 માર્ચથી 90 દિવસ સુધી તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી થશે તેવું રાજ્યના કૃષિ મંત્રીએ જાહેર કર્યું છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે એ માટે અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે. ખેડૂતોના ઉત્પાદિત પાકોની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા પણ સમયસર કરવામાં આવે છે.
 
મંત્રી પટેલે ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ટેકાના ભાવે ખરીદી માટે સંપૂર્ણ આયોજન કરી દેવામાં આવ્યું છે. ગુજરાતના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂ. ૧૭૩૪ કરોડની કિંમતની ૨,૪૫,૭૧૦ મે. ટન તુવેરની ખરીદી કરવામાં આવશે. આ ઉપરાંત રૂ. ૧૭૬૫ કરોડની કિંમતના ૩,૨૪,૫૩૦ મે. ટન ચણા અને રૂ. ૮૫૩ કરોડની કિંમતના ૧,૫૦,૯૦૫ મે. ટન જેટલા રાયડાની ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે
 
રાજ્યમાં કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને તુવેર પાકની ખરીદી માટે 140 ખરીદ કેન્દ્રો, ચણાની ખરીદી માટે 187 ખરીદ કેન્દ્રો અને રાયડાની ખરીદી માટે 110 ખરીદ કેન્દ્રો મળી રાજ્યભરમાં કુલ 437 કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં તુવેર, ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવશે અને તે માટે સરકાર દ્વારા તમામ આગોતરૂ આયોજન હાથ ધર્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું. ભારત સરકાર દ્વારા તુવેર માટે રૂપિયા 7,000 પ્રતિ ક્વિ. (રૂપિયા 1400 પ્રતિ મણ), ચણા માટે રૂપિયા 5,440 પ્રતિ ક્વિ. (રૂપિયા 1088 પ્રતિ મણ) અને રાયડા માટે રૂપિયા 5,650 પ્રતિ ક્વિ. (રૂપિયા 1130 પ્રતિ મણ) ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર