3 અબજના શીપ હવે ગુજરાતમાં બનશે

શુક્રવાર, 17 જુલાઈ 2015 (17:03 IST)
ખાનગી ક્ષેત્રના સૌથી મોટા યુધ્ધ જહાજ (વોરશીપ)  પ્રેજેકટ માટે રશિયાની સરકારે અનિલ અંબાણીની પીપાવાવ શિપયાર્ડને પસંદ કરી છે. કંપનીને ‘મેક ઈન ઈન્ડિયા’ નેવલ ફ્રિગેટનો 3 અબજથી વધુ ડોલરનો ઓર્ડર મળ્યો છે. સરકાર છેલ્લા કેટલાક સમયથી રશિયા પાસેથી અપગ્રેડેડ તલવાર કલાકસ ફ્રિગેટસ મેળવવા સક્રિય હતી.

રશિયા તેના શિપયાર્ડમાં ફ્રિગેટના નિર્માણની યોજના ધરાવતું હતું. જોકે, તેને ગયા વર્ષે સ્પષ્ટપણે જણાવાયું હતું કે ઓર્ડર ‘મેક ઈન ઈન્ડિયા’ રૂટથી જ અપાશે. જો કે રશિયા પાસે પ્રોજેકટ માટે ભાગીદાર પસંદ કરવાનો વિકલ્પ અપાયો હતો. ભારતીય શિપયાર્ડના મૂલ્યાંકન પછી રશિયાએ મેગા પ્રોજેકટના ભારતીય ભાગીદાર તરીકે પીપાવાવની પસંદગી કરી હોવાની ઔપચારીક જાહેરાત કરી હોવાની માહિતી સંરક્ષણ  મંત્રાલયે આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ફેડરલ સર્વિસ ફોર મિલિટરી  ટેકનિકલ કો-ઓપરેશન (એફએસએમટીસી)ના ડિરેકટર એલેકઝાંડર ફોમિને ગયા સપ્તાહે ભાગીદારીની જાણ કરતો ઔપચારીક પત્ર મોકલ્યો હતો.

ખાનગી ક્ષેત્રનો આ સૌથી મોટો ઓર્ડર લેખાવાય છે. આ પ્રોજેકટ માટે લાર્સન એન્ડ ટુબ્રો સહિત ઘણા ભારતીય શિપયાર્ડના મૂલ્યાંકન કરવામાં આવ્યા હતાં. આ પ્રોજેકટના પ્રારંભ સાથે જ રશિયાને  ત્રણથી ચાર ફ્રિગેટનો ઓર્ડર આપવામાં આવે તેવી પણ શકયતા છે. આ સોદા ઉપર ચાલુ વર્ષમાં જ હસ્તાક્ષરની ધારણા છે. જયારે મહત્વાકાંક્ષી વોરશીપ તૈયાર થતાં આઠ વરસનો સમય અંદાજવામાં આવ્યો છે. મોટી વાત એ છે કે ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયની મેક ઈન ઈન્ડિયા હેઠળની જરૂરિયાતો માટે પીપાવાવ યાર્ડ પસંદ થતાં હવે પીપાવાવનો ભાગ્યોદય થશે. સ્થાનિક રોજગારીથી માટે પણ આશાસ્પદ સ્થિતિ સર્જાશે.

વેબદુનિયા પર વાંચો