હવે ડુંગળી રડાવશે નહીં

મંગળવાર, 7 જાન્યુઆરી 2014 (11:38 IST)
P.R
ગઈ સાલ ડુંગળીના ભાવ આસમાને આંબી જતાં કિસાનોએ આ વખતે ડુંગળીનું વાવેતર વધુ પ્રમાણમાં કર્યું છે તદુપરાંત આ વખતે મોસમ પણ ડુંગળીના વાવેતર માટે વધુ અનુકૂળ રહેશે, જેને લઈને વર્ષ ૨૦૧૩-૧૪ દરમિયાન ડુંગળીનું ઉત્પાદન લગભગ ૧૩ ટકા વધીને વિક્રમી સ્તરને સ્પર્શી જશે એવો અંદાજ છે. સૌથી વધુ ઉત્પાદન રાજસ્થાનમાં ૪૦ ટકા અને મહારાષ્ટ્રમાં લગભગ ૨૮ ટકા વધવાની શક્યતા છે. ત્યાર બાદ બિહારમાં પણ ડુંગળીનો બમ્પર પાક થવાની શક્યતા છે અને ઉત્પાદનમાં ૧૮.૩૩ ટકા વધારો થવાની સંભાવના છે. ખાસ બાબત એ છે કે ખરીફ સિઝનમાં વરસાદથી નુકસાન થયા બાદ પણ ડુંગળીની પેદાશ ઘણી વધુ છે.

નેશનલ હોર્ટિકલ્ચર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ફેડરેશનના ડાયરેક્ટર આર.પી. ગુપ્તાના જણાવ્યા મુજબ ગઈ સાલ ડુંગળીના ભાવ એક તબક્કે પ્રતિ કિલો રૃ. ૧૦૦ની આસપાસ પહોંચી જતાં, ખેડૂતોએ આ વર્ષે વધુ નફો કમાવવા ડુંગળીનું વિપુલ વાવેતર કર્યું છે. જોકે વચ્ચે કમોસમી વરસાદ થવાથી ડુંગળીના ખરીફ પાકને નુકસાન ચોક્કસ પહોંચ્યું છે. રવિ સિઝનમાં વધુ વાવેતર અને અનુકુળ મોસમના કારણે ડુંગળીનું ઉત્પાદન વધુ થવાની અંદાજ છે.

ગુપ્તાના જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૧૩-૧૪માં ૧૦.૮૮ લાખ હેક્ટર જમીન પર ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું હતું. તેમાં ૧૮૯.૮૧ લાખ ટન ડુંગળીનું ઉત્પાદન થઈ શકે છે જે અત્યાર સુધીનું રેકર્ડ ઉત્પાદન હશે. ગઈ સાલ ૧૦.૫૧ ટન લાખમાં ૧૬૮.૧૩ લાખ ટન ડુંગળીનું ઉત્પાદન થયું હતું. આ રીતે ડુંગળીના ઉત્પાદનમાં ૧૩ ટકાનો બમ્પર વધારે થઈ શકે છે. સૌથી વધુ ઉત્પાદન મહારાષ્ટ્રમાં થવાનો અંદાજ છે. મહારાષ્ટ્રમાં ૩.૪૨ લાખ હેક્ટરમાં લગભગ ૬૦ લાખ ટન ડુંગળીનું ઉત્પાદન થઈ શકે છે. ગઈ સાલે ૨.૬૦ લાખ હેક્ટરમાં ૪૬.૬૦ લાખ ટન ડુંગળીનું ઉત્પાદન થયું હું અને આ રીતે આ વર્ષે ૨૮.૭૫ ટકા ઉત્પાદન વધશે.

વેબદુનિયા પર વાંચો