સોનાની આયાત નિયંત્રિત કર્યા બાદ એક્સપોર્ટર્સની હાલત કફોડી

ગુરુવાર, 11 જુલાઈ 2013 (12:15 IST)
P.R
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા સોનાની આયાત ઘટાડવા માટે ઘણાં પગલાં ભરવામાં આવ્યાં છે. બેંકો મારફત સોનાની આયાત નિયંત્રિત કર્યા બાદ તેના સપ્લાયમાં પણ નિયંત્રણો મૂક્યા છે. પરિણામે બેંકો તથા માન્ય એજન્સીઓ પાસેથી ગોલ્ડનો જથ્થો મેળવનારા જેમ-જ્વેલરી એક્સપોર્ટર્સની હાલત કફોડી બનવા પામી છે. સોનાનો પૂરતો જથ્થો નહિ મળી શકતા મુશ્કેલીમાં મુકાયેલા નિકાસકારોએ કેન્દ્ર સરકારને રજૂઆત કરી તાકીદે ગોલ્ડ સપ્લાયની યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માટે રજૂઆત કરી છે.

ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ધોવાણની સ્થિતિ પર અંકુશ મેળવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પગલાં ભરવામાં આવી રહ્યાં છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ૧૩ મે અને ૪ જૂનના રોજ બહાર પાડવામાં આવેલા સર્ક્યુલર મારફત બેંકો તથા માન્ય એજન્સીઓ દ્વારા થતા ગોલ્ડ ઇમ્પોર્ટ તથા ગોલ્ડ સપ્લાય પર નિયંત્રણો મુકાયા છે. આ સર્ક્યુલર બહાર પડયા તે પહેલાં બેંકો તથા માન્ય એજન્સીઓ દ્વારા ૯૦ ટકા આયાતી જથ્થો ડોમેસ્ટિક માર્કેટમાં તથા ૧૦ ટકા જથ્થો નિકાસકારોને સપ્લાય કરવામાં આવતો હતો, પરંતુ આરબીઆઇના સર્ક્યુલર બાદ બાદ નિકાસકારોને સપ્લાય થતા ગોલ્ડના જથ્થા પર બ્રેક લાગી ગઇ છે. જેને લઇને નિકાસકારો મુશ્કેલીમાં મુકાયા છે. અગાઉ બેંક મારફત કન્સાઇન્મેન્ટ આવતા હતા. જેમાં નિકાસકારોએ બાદમાં પેમેન્ટ કરવાના રહેતા હતા. હાલની સ્થિતિમાં નિકાસકારોએ પ્રથમ પોતાની મૂડી લગાવવી પડી રહી છે. આ જ પરિસ્થિતિ રહેશે તો, જેમ-જ્વેલરીની નિકાસને અસર થઇ શકે છે. જે બાબતને કેન્દ્રમાં રાખીને જેમ-જ્વેલરી નિકાસકારોએ તાજેતરમાં કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગોને રજૂઆત કરી છે. મિનરલ્સ એન્ડ મેટલ ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એમએમટીસી)ના સીએમડી ડી.એસ. ઢેસી તથા કોમર્સ મિનિસ્ટ્રીના સેક્રેટરીને આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે. જેમ- જ્વેલરી એક્સપોર્ટર્સને સોનાનો પૂરતો જથ્થો મળી રહે તે માટે યોગ્ય સિસ્ટમ ગોઠવવા માટે રજૂઆત કરાઇ છે.

વેબદુનિયા પર વાંચો