સર્વિસ ટેક્સની એક્ઝેમ્પ્શન લિમિટ વધારવા માટે માંગ

ગુરુવાર, 26 ફેબ્રુઆરી 2015 (15:19 IST)
મોદી સરકારના યુનિયન બજેટને ગણતરીના દિવસો બાકી છે ત્યારે જુદા જુદા કરવેરા વિભાગોએ પણ ટેક્સને લગતી સમસ્યાઓ અંગે નિષ્ણાંતોના મંતવ્યો મંગાવવાના શરૂ કરી દીધા છે. ગુજરાતના સર્વિસ ટેક્સ ચીફ કમિશ્નરે પણ તાજેતરમાં જ બજેટમાં સર્વિસ ટેક્સને લગતા સૂચનો મંગાવ્યા હતા જેમાં શહેરમાંથી અનેક નિષ્ણાંતોએ પોતાના મંતવ્યો લખીને મોકલાવ્યા છે. આ સૂચનોમાં મુખ્યત્વે સર્વિસ ટેક્સની પેનલ્ટીના નિયમો હળવા કરવા માટે અને સર્વિસ ટેક્સની એક્ઝેમ્પ્શન લિમિટ વધારવા માટે માંગ કરવામાં આવી છે.

સર્વિસ ટેક્સ નંબર મેળવવા માટેની અરજીનું ઓનલાઈન ફાઈલિંગ ફરજિયાત બનાવી દેવાયું છે. પરંતુ હજુ પણ સર્વિસ ટેક્સ નંબર મેળવવા માટે પાનકાર્ડ, એડ્રેસ પ્રુફ વગેરે દસ્તાવેજો કાગળિયા પર સબમિટ કરવા પડે છે. આથી દસ્તાવેજો ઓનલાઈન સ્કેન કરીને એટેચ કરાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો કરદાતાનો સમય પણ બચે અને પ્રક્રિયા પેપરલેસ પણ બનાવી શકાશે.

વર્ષ ૨૦૦૮માં સર્વિસ ટેક્સની એક્ઝેમ્પ્શન લિમિટ ~૧૦ લાખ નિયત કરવામાં આવી હતી. સાત વર્ષ બાદ હાલની પરિસ્થિતિ ધ્યાનમાં રાખતા આ લિમિટ વધારીને ~૨૫ લાખ કરી દેવાનું સૂચન કરવામાં આવ્યું છે. હાલની ~૧૦ લાખની લિમિટ ઘણી નીચી હોવાથી નાના વેપારીઓ પર પણ સર્વિસ ટેક્સનું બિનજરૂરી ભારણ આવી રહ્યું છે. આથી આ લિમિટ વધારવાની તાતી જરૂર છે એમ નિષ્ણાંતોનું માનવું છે. સર્વિસ ટેક્સ મોડો ભરવા માટે થતી પેનલ્ટી કમરતોડ હોવાથી તેમાં પણ સુધારા માટે સૂચનો કરવામાં આવ્યા છે.

સી.એ હેમ છાજડ જણાવે છે, "સેન્ટ્રલ બોર્ડ ઑફ એક્સાઈઝ એન્ડ કસ્ટમ્સએ ખાસ બિલ્ડર લોબીને ધ્યાનમાં રાખીને જ હાલમાં સર્વિસ ટેક્સ મોડો ભરવા માટે ૧૮ ટકા, ૨૪ ટકા અને ૩૦ ટકા જેટલી ભારે પેનલ્ટીની જોગવાઈ કરી છે. પરંતુ નાના વેપારીઓ માટે આ પઠાણી વ્યાજ ભરવું ઘણું અઘરું થઈ પડે છે. પેનલ્ટીના દર મુજબ તો અનેક કિસ્સામાં બાકી ટેક્સની રકમ કરતા વ્યાજની રકમ વધી જાય છે. સરકારે પેનલ્ટી બાકી ટેક્સની રકમ કરતા વધુ ન હોઈ શકે તેવો નિયમ નવા બજેટમાં લાવવાની જરૂર છે." સર્વિસ ટેક્સના રૂલ ૬ મુજબ સર્વિસ ટેક્સ રિટર્ન ભર્યું ત્યાર પછીના ૬૦ દિવસની અંદર અંદર રિટર્નમાં ફેરફાર કરવા હોય તો કરી શકાય છે. આ લિમિટ વધારીને ૯૦ દિવસ કરવાની માંગ કરવામાં આવી છે. એક્સાઈઝની માફક જ વાર્ષિક રિટર્ન પણ વર્ષે બે વાર ભરી શકાય તેવી જોગવાઈ માટે માંગ કરવામાં આવી છે.

સરકાર સ્વચ્છ ભારત અભિયાનને પ્રોત્સાહન આપતી હોય ત્યારે ક્લીનીંગ સર્વિસને લગતી કંપનીઓની સેવાઓને પણ સર્વિસ ટેકસમાંથી એક્ઝેમ્પ્શન આપવાની માંગ કરવામાં આવી છે. સર્વિસ ટેક્સની વ્યાખ્યામાં ટ્રેડિંગ ઑફ ગુડ્સને સર્વિસ તરીકે ગણાવવામાં આવી છે. આ કારણે સેનવેટ ક્રેડિટ પર ઘણી મોટી અસર આવતી હોવાને કારણે સરકારને સર્વિસ ટેક્સની વ્યાખ્યામાંથી ટ્રેડિંગ ઑફ ગુડ્સને બાકાત કરવા સૂચન મોકલાયું છે.

વેબદુનિયા પર વાંચો