સફેદ દાણચોરોથી સરકારની તિજોરીને ૧ હજાર કરોડ રૂપિયાનો ચુનો લાગી રહ્યો છે

સોમવાર, 12 જાન્યુઆરી 2015 (14:31 IST)
ગુજરાતના ૧૬૦૦ કી.મી.ના વિશાળ સાગરકાંઠા પર એક મેજર પોર્ટ તથા ૪૧ માઈનોર પોર્ટ પર મોટાભાગના પોર્ટ આયાત-નિકાસ કામગીરી પુરબહારમાં ચાલી રહી છે પણ એક ચોંકાવનારી વિગત પ્રકાશમાં આવી છે કે સૌરાષ્ટ્ર-કચ્છના ખાસ કરીને મુંદરા અને પીપાવાવ પોર્ટ પર ઓવર વેલ્યુએશન તથા અંડર ઈન્વોઈસીંગ કરીને સફેદ દાણચોરો દ્વારા ૧ હજાર કરોડા રૂપિયાનો ચુનો સરકારની તિજોરીને મારવામાં આવી રહ્યો છે અને તેમાં કસ્ટમ્સના અમુક સીનીયર લોકો પણ સામેલ હોવાની વાત ચર્ચાઈ રહી છે,કારણ કે કસ્ટમ્સનો સહકાર ન હોય તો આ ખેલ શકય જ નથી તેમ જાણકાર લોકો જણાવી રહ્યા છે.

ડી.આર.આઈ.દ્વારા છાશવારે કંડલા/મુંદરા અને પીપાવાવ પોર્ટ પર નિકાસ તથા આયાત થતા કારગોના કન્ટેઈનર રોકવામાં આવે છે અને બાદમાં લેબોરેટરી સહિતના પુથ્થકરણ કરાવ્યા બાદ જે તે આયાત-નિકાસકારો પાસેથી ડયુટી ડીમાન્ડ કરવામાં આવતી હોય છે,પણ મોટાભાગના કેસોમાં સ્થાનિક પોર્ટના કસ્ટમ્સ સ્ટાફની મીલીભગત જોવા મળી રહી છે પણ આજદીન સુધી ડી.આર.આઈ.દ્વારા કોઈ દિવસ કસ્ટમ્સ સ્ટાફ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી હોય તેવો કિસ્સો જોવા મળ્યો નથી. કેન્દ્ર સરકાર દ્વારા નિકાસને પ્રોત્સાહન મળે તે માટે ડયુટી ડ્રો બેક,ડીઈપીબી તથા ડીએફઆરસી જેવી સ્કીમો અમલમાં મુકી છે અને અત્યાર સુધીના ડીઆરઆઈના કેસો પરથી ફલિત થઈ ચુકયું છે કે આ સ્કીમોનો મહતમ લાભ સફેદ દાણચોરો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે અને જે તે સમયે ડીઆરઆઈ દ્વારા બોર્ડને પણ રિપોર્ટ આપવામાં આવ્યો હતો કે આ સ્કીમમાં ફેરફાર કરવામાં આવે પણ તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.ડ્રો બેકનો ખેલ કરતા લોકો દ્વારા નિકાસ કરાતી પ્રોડકટની વેલ્યુ(કિંમત) ઉંચી ડીકલેર કરી પ્રોડકટ કરતા વધુ માત્રામાં ડ્રો-બેક મેળવવામાં આવતો હોવાનું જાણવા મળેલ છે અને તેમાં પણ એકસાઈઝના રીફંડ/રીબેટની માફક અમુક ટકા નકકી કરવામાં આવ્યા છે તે સ્થાનિક કસ્ટમ્સ સ્ટાફને સાલીયાણું આપવામાં આવે છે. આ સાલીયાણુ આપી દેવાથી જે તે લોકોને એમાઉન્ટનો ચેક આપી દેવામાં આવે છે.ડ્રો-બેકની માફક આયાત કરવામાં આવતા કારગો પર ડયુટી ઓછી ભરવી પડે તે માટે થઈને આયાતકાર દ્વારા આયાતી કારગોની વેલ્યુ ઓછી ડીકલેર કરવામાં આવે છે અને કહેવાય છે કે તેની જાણ જે તે કસ્ટમ્સ સ્ટાફને થઈ જતી હોય છે પણ તેમના ખિસ્સા ગરમ કરી દેવામાં આવતા હોવાથી એસેસમેન્ટ સમયે કોઈ પોઈન્ટ લેવામાં આવતો નથી અને સરવાળે સરકારને ચુનો લાગી રહ્યો છે. આવી જ રીતે ડીઈપીબી અને ડીએફઆરસી સ્કીમમાં પણ સફેદ દાણચોર દ્વારા ખોટી નિકાસ દર્શાવી સ્કીમનો લાભ લેવામાં આવી રહ્યો છે. જયાં રેવન્યુનો મામલો હોય ત્યાં સ્થાનિક કસ્ટમ્સ સ્ટાફે કોઈ બાંધછોડ કરવી ન જોઈએ પણ ડેપ્યુટેશન પીરીયડમાં જે કાંઈ કમાણી થાય તે કરી લેવાની મનોવૃતિના કારણે આવા ખેલ પાછળ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો