સફરજન કરતા ટમેટા મોંઘા - ટમેટાની થઇ ચોરી

શનિવાર, 2 ઑગસ્ટ 2014 (17:16 IST)
હિમાચલ પ્રદેશમાં ફળોનો રાજા સફરજન કહેવાય છે પરંતુ અત્‍યારે પરિસ્‍થિતિ એવી ઉભી થઈ છે કે ટામેટા સફરજન કરતાં પણ મોંધા થઈ ગયા છે. જેનાથી કુલ્લુ મનાલીના બાગાયતકારોને ભલે જલસા પડી ગયા હોય પણ ટામેટાના ભાવ સાંભળીને ગળહિણીઓના આંખમાંથી આંસુ સરવા લાગે છે.

   સ્‍થાનિક બજારોમાં ટામેટાના ભાવ પ્રતિ કિલો રૂ. ૪૦ થી ૪પ થઈ ગયા છે અને ટામેટા ઉત્‍પાદકો માટે સફરજન કરતા પણ ટામેટા ભારે આવક ધરાવનાર સ્‍ટારફળ બની જવા પામ્‍યા છે. રોયલ સફરજન સહિતની વિવિધ જાતના ભાવ પ્રતિકિલો રૂ.૩૦થી પ૦ છે જ્‍યારે હિમાચલમાં વર્તમાન સિઝનમાં સૌથી મોંધુ ગણાતું શાક કોબિજ પણ પ્રતિકિલો રૂ.રપના ભાવે વેચાઈ રહ્યું છે. સફરજનનો પાક આ વખતે ઓછો થયો છે એટલે બાગાયતકારો ટામેટા પર ધ્‍યાન કેન્‍દ્રિત કરી રહ્યાં છે.

   સામાન્‍ય સંજોગોમાં ૨૫ કિલો ટમેટાનો ભાવ રૂ. ૧૫૦ થી ૨૫૦ ઉપજતો પણ અત્‍યારે હિમાચલમાં ૨૫ કિલો ટમેટાનો ભાવ આસમાને પહોંચીને રૂ. ૧૦૦૦ થી ૧૧૦૦ થઇ જવા પામ્‍યો છે. ખેડૂતો ખુશખુશાલ છે પણ આમ આદમી ભારે હેરાનગતિ ભોગવી રહ્યો છે. હિમાચલ પ્રદેશનો મુખ્‍ય પાક સફરજન છે પણ અત્‍યારે ટમેટા ઉત્‍પાદકો માટે હીરો બની ગયા છે.

આ સંજોગોમાં રાજસ્‍થાનના દૌસામાં એક અજબ કિસ્‍સો પ્રકાશમાં આવ્‍યો છે. જેમાં ચોર ૨૧ જેટલી શાકભાજીની દુકાનોનાં તાળા તોડીને ૭૫ કિલો ટામેટાની ચોરી કરીને લઈ ગયા છે.

    ગુરુવારે શાકભાજીના વેપારીઓ રોજની જેમ સવારે છ વાગ્‍યે પોતાની દુકાનો ખોલવા આવ્‍યા ત્‍યારે તેમણે જોયું કે તેમની દુકાનના તાળા તુટેલાં છે અને ચોર દુકાનમાંથી ટામેટાં અને વજન કાંટા લઈ ગયા છે. રસપ્રદ વાત તો એ છે કે ચોર ગલ્લામાં રાખવામાં આવેલા સિક્કાને અડક્‍્‌યા પણ નહોતા.

   આ શાકભાજીના વેપારીઓ જયારે નજીકના કોટવાલી પોલીસ સ્‍ટેશનમાં આ વાતની ફરિયાદ નોંધાવવા ગયા ત્‍યારે પોલીસે પહેલા આ વાતને હસી કાઢી હતી. જોકે પછી તેમણે આ મામલાની ફરિયાદ નોંધી હતી અને હાલમાં તપાસ ચાલી રહી છે.
 

વેબદુનિયા પર વાંચો