ર૦થી વધુ સ્થળ પર આઇટી વિભાગે સર્ચ ઓપરેશનની કાર્યવાહી

બુધવાર, 5 ઑગસ્ટ 2015 (17:09 IST)
આવકવેરા વિભાગે આજે વહેલી સવારથી જાણીતી ફાર્માસ્યુટિકલ કંપની ક્લેરિસ લાઇફ સાયન્સ લિ. પર દરોડા પાડીને મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. ક્લેરિસ લાઇફ સાયન્સના પરિમલ ગાર્ડન નજીક આવેલા કોર્પોરેટ હેડ કવાર્ટર સહિત ર૦થી વધુ સ્થળ પર આઇટી વિભાગે સર્ચ ઓપરેશનની કાર્યવાહી હાથ ધરી હતી. આવકવેરા વિભાગના ઉચ્ચસ્તરીય સૂત્રોના જણાવ્યા અનુસાર બહુ મોટું નામ ધરાવતી ફાર્મા કંપની ક્લેરિસ લાઇફ સાયન્સને આજે આવકવેરા વિભાગે નિશાન બનાવી હતી. વહેલી સવારથી જ આવકવેરા વિભાગના અધિકારીઓની વિવિધ ટીમ આ કંપનીના જુદાં જુદાં ર૦થી વધુ સ્થળ પર ત્રાટકી હતી અને દરોડા અને સર્ચ ઓપરેશનની કાર્યવાહી હાથ ધરી હતી.

સૂત્રોના કહેવા અનુસાર આઇટી વિભાગે ક્લેરિસ લાઇફ સાયન્સ કંપનીની શૈક્ષણિક સંસ્થાઓ પર પણ તપાસ શરૂ કરી દીધી છે. હાલ પણ આ સામૂહિક દરોડાની કાર્યવાહી ચાલુુ છે અને અધિકારીઓનો દાવો છે કે તમામ દસ્તાવેજોની ચકાસણી બાદ આ અંગે કંઇક કહી શકાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ક્લેરિસ લાઇફ સાયન્સ કંપની એનેસ્થેસિયા, બ્લડ પ્રોડકટસ, એન્ટી ઇન્ફેક્ટિવ્સ અને પ્લાઝમા વોલ્યુમ એકસપાન્ડરર્સ સહિતની પ્રોડકટસ બનાવે છે. આ કંપનીનો મેન્યુફેકચરિંગ પ્લાન્ટ સરખેજ-બાવળા રોડ પર ચાચરવાડી-વાસણા ખાતે આવેલો છે. જ્યારે તેનું કોર્પોરેટ હેડકવાર્ટર એલિસબ્રિજ વિસ્તારમાં પરિમલ ગાર્ડન નજીક આવેલું છે. ક્લેરિસ લાઇફ સાયન્સ કંપનીની અધિકૃત વેબસાઇટ પર જણાવ્યા અનુસાર આ કંપનીના ચેરમેન સુરિન્દરલાલ કપૂર છે, જ્યારે અર્જુન એસ. હાંડા આ કંપનીના પ્રમોટર, વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર (એમડી) છે. આદિત્ય એસ. હાંડા આ કંપનીના નોન ઇન્ડિપેન્ડન્ટ ડાયરેકટર છે. તેઓ વર્ષ ર૦૦૯ સુધી કંપનીના સીએફઓ તરીકે પણ ફરજ બજાવી ચૂકયા છે.

આવકવેરા વિભાગે ટોચની ફાર્મા કંપની ક્લેરિસ લાઇફ સાયન્સ પર દરોડાની કાર્યવાહી હાથ ધરતાં ખળભળાટ મચી ગયો છે અને આવકવેરા વિભાગ નજીકના ભવિષ્યમાં કોને નિશાન બનાવે છે તે અંગેની અટકળો તેજ બની ગઇ છે.

વેબદુનિયા પર વાંચો