ભારતીય રૂપિયો વધુ નબળો બન્યો

ગુરુવાર, 15 ડિસેમ્બર 2011 (13:56 IST)
P.R
ગુરુવારે શરૂઆતના વ્યાપારમાં ભારતીય રૂપિયો વધુ નબળો બન્યો હતો. આજે રૂપિયો વધુ 46 પૈસા ગગડીને પ્રતિ ડોલરની સામે રૂ.54.17ના સ્તરે આવી ગયો હતો. બીજી બાજુ અમેરિકન ડોલરની મજબૂત રહેલી માંગના કારણે સ્થાનિક ચલણ ગઇકાલની રૂ.53.71ના સ્તરેથી વધુ ગગડીને રૂ.54ની સપાટી તોડતા બજારમાં પણ તેની અસર જોવા મળી હતી.

ફોરેક્ષ ડિલર્સના જણાવ્યાં અનુસાર આયાતકારો તરફથી અમેરિકન ડોલરની સતત ચાલુ રહેલી માંગ અને યૂરોઝોન કટોકટીના કારણે રૂપિયા પર દબાણ વધ્યું હતું. વધુમાં નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ભારતીય રૂપિયાના થઇ રહેલા અવમુલ્યનને રોકવા માટે રીઝર્વ બેન્ક તરફથી કોઇ પણ સ્પષ્ટ સંકેતના અભાવના કારણે પણ રૂપિયો તેની મજબૂત સ્થિતિ જાળવી રાખવામાં નિષ્ફળ નિવડ્યો છે.

વધુમાં પ્રધાનમંત્રીના આર્થિક સલાહકાર સી.રંગરાજને જણાવ્યું હતું કે ભારત રૂપિયાની ઘટતી જતી કિંમતને રોકવા માટે કોઇ નક્કર પગલાં લઇ શકે તેવી પરિસ્થિતિમાં નથી. બજાર નિષ્ણાતોના જણાવ્યાં અનુસાર જો વૈશ્વિક અર્થવ્યવસ્થા વધુ કથળે તો રૂપિયો રૂ.55 પ્રતિ ડોલરની સપાટીએ પહોંચી શકે છે. બીજી બાજુ રૂપિયા તૂટતા આજે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 158.51 અંકોના ઘટાડા સાથે 15.722.63ના સ્તરે ખુલ્યો હતો.

વેબદુનિયા પર વાંચો