ભારતમાં એક અંદાજ મુજબ રૂ. ૩,૦૦૦ કરોડનો આઇસક્રીમ ખવાય છે

શનિવાર, 5 એપ્રિલ 2014 (17:56 IST)
W.D


ભારતમાં આઇસક્રીમનું બજાર રૂ. ૩,૦૦૦ કરોડનું અંદાજવામાં આવ્યું છે, જેમાં બ્રાન્ડેડ માર્કેટ રૂ. ૧,૬૦૦ કરોડનું અથવા વાર્ષિક ૧૮૦ મિલિયન લિટર્સનું છે. લગભગ ૪૦ ટકા હિસ્સા સાથે અમૂલ દેશની ટોચની આઇસક્રીમ બ્રાન્ડ છે.

એક અન્ય જાણીતી બ્રાન્ડના અધિકારીએ કહ્યું હતું કે, શહેરી વિસ્તારમાં આઇસક્રીમનું વેચાણ ૨૫ ટકાએ વધી રહ્યું છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં તે ૩૦ ટકાના દરે વધી રહ્યું છે. અલબત્ત, ગ્રામ્ય બજાર વધારે ભાવસંવેદી છે અને એટલા માટે જ અમે સસ્તી કિંમતની પ્રોડક્ટ્સ લાવ્યા છીએ.

ગ્રામ્ય બજાર શહેરી બજાર જેટલું મોટું બની શકે એવી આશા સાથે કંપનીઓ સસ્તી પ્રોડ્કટ સાથે ઝંપલાવી રહી છે. અમદાવાદની અન્ય એક જાણીતી અને લોકપ્રિય બ્રાન્ડ ધરાવતી કંપની તો ચાલુ વર્ષે ગ્રાહકોના વલણને જોતાં તે માત્ર પાંચ રૂપિયાની આઇસક્રિમ બજારમાં મૂકી રહી છે.

ઉત્પાદકોના કહેવા પ્રમાણે પાછલા દાયકામાં આઇસક્રીમમાં અનેક ફ્લેવર લોન્ચ થઈ હોવા છતાં ૨૦ ટકા વેચાણ સાથે વેનિલા ફ્લેવર સૌથી લોકપ્રિય છે.

અલબત્ત, લગભગ એક દાયકા અગાઉ સુધી વેનિલાનો હિસ્સો પચાસ ટકા જેટલો હતો, જે હવે ઘટી ગયો હતો. એ જ રીતે બીજી તરફ હિસ્સો ઘટવા છતાં સ્ટ્રોબેરી ફ્લેવર આજે પણ ખૂબ લોકપ્રિય છે.

અગાઉ ઉત્પાદકોએ ચાલુ વર્ષે કાળઝાળ ગરમીમાં આઇસક્રીમના ભાવમાં વધારો કરવાની યોજના બનાવી હતી. એક વર્ષમાં દૂધના ભાવમાં ૧૦ ટકા વૃદ્ધિથી ચાલુ સિઝનમાં આઇસક્રીમના ભાવમાં પણ એટલો જ વધારો થયો છે.

એક અગ્રણી કંપનીના અધિકારીએ કહ્યું હતું કે, દૂધનો ભાવ વધતાં આઇસક્રીમની કિંમતમાં વધારો અનિવાર્ય છે. અમુક પ્રોડક્ટ્સના ભાવ ગયા વર્ષના સમાન ગાળાની તુલનામાં દસેક ટકા સુધી વધારી પણ દેવામાં આવ્યા હતા. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)એ એક વર્ષમાં દૂધના ભાવમાં બે વખત વધારો કર્યો છે. જેને લીધે દૂધની કોથળીનો ભાવ એક વર્ષમાં ૧૦ ટકા વધ્યો છે.

ગુજરાતમાં છેલ્લે ઓક્ટોબર ૨૦૧૩માં દૂધના ભાવ વધ્યા હતા. જીસીએમએમએફના એમડી આર એસ સોઢીએ કહ્યું હતું કે, દૂધના ભાવમાં વૈશ્ર્વિક સ્તરે વધારો થયો છે. વિશ્ર્વભરમાં દૂધ ૨૩ ટકા મોંઘું થયું છે, જે ભારતમાં હજુ ૧૦ ટકા છે.

એક અન્ય બ્રાન્ડના ઉત્પાદકે જણાવ્યું હતું કે, અમારો આઇસક્રીમ સંપૂર્ણપણે દૂધમાંથી બને છે તેથી અમારી પાસે દૂધના ભાવવધારાને પગલે આઇસક્રીમના ભાવ વધારવા સિવાય કોઈ વિકલ્પ નથી. ભારતનાં છ શહેરોમાં વેચાતો આઇસક્રીમ ઓછામાં ઓછો સાતેક ટકા મોંઘો થશે.

આઇસક્રીમ ઉત્પાદકોના મતે ચાલુ સિઝનમાં આઇસક્રીમની મોંઘવારી નડવાની શક્યતાને પગલે સ્વાદના શોખીનો કેન્ડી અને નાના સ્કૂપની મજા માણશે.

માર્કેટ પંડિતે કહ્યું હતું કે, અમારા અંદાજ મુજબ ભાવવધારો અને સ્વાસ્થ્ય પ્રત્યેની સભાનતાને કારણે પાંચ રૂપિયાની કેન્ડી અને નાના સ્કૂપ (૩૫ મિલિ.)નું વેચાણ વધશે. આઇસ્ક્રીમના ઉત્પાદકોને પણ આ અંદાજ આવી ગયો હોવો જોઇએ. અગાઉ ભલે ભાવ વધારી દીધા હોય પરંતુ હવે, કંપનીઓ હવે પાંચ અને દસ રૂપિયાની પ્રોડક્ટ લાવીને પોતાનો બજાર-હિસ્સો ટકાવવા અને વધારવાની હોડમાં ઉતરી રહી છે.

વેબદુનિયા પર વાંચો