બેંકોમાં મીનીવેકેશન જેવો માહોલ સર્જાશે

સોમવાર, 29 સપ્ટેમ્બર 2014 (14:58 IST)
નવરાત્રીના દિવસોમાં બેંકોમાં એક સાથે સળંગ જાહેર રજાઓ આવતી હોવાથી કરોડોના કિલયરીંગને અસર થશે. ઓકટોબર મહિનાના પ્રારંભે જ છ દિવસમાંથી ચાર દિવસ બેંકોમાં રજા આવે છે તેમાં તા. ૩૦ના રોજ કવાર્ટરલી કલોઝિંગ ડે, તા. ૨ ગાંધી જયંતિની રજા, તા. ૩ના રોજ દશેરાની રજા આવતી હોવાથી તા. ૪ના રોજ ફકત શનિવારે બેંક અડધો દિવસ ખૂલ્લી રહેશે. ત્યાર બાદ તા.૫મીએ રવિવાર અને તા. ૬ ના રોજ બકરી ઇદની જાહેર રજા હોવાથી બેંકોમાં કરોડોના આર્િથક અને નાણાંકિય વ્યવહારો ઠપ થઇ જશે. જો કે આર.બી.આઇ. તરફથી તા. ૪ના રોજ શનીવારે બેંક આખો દિવસ ચાલુ રાખવા વિચારણા કરી રહી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે મહિનાના પ્રારંભે જ સળંગ રજાઓ આવતી હોવાથી કર્મચારીઓના પગાર અને પેન્શન બેંકમાં જમા નહીં થાય પરીણામે ભારે દેકારો મચવાની સંભાવના છે. ગ્રાહકે તેમજ સરકારી પેમેન્ટના ચેક તા. ૧ ના રોજ બેંકમાં ચેક નાંખશે તો તેને એક સપ્તાહ બાદ ખાતામાં રકમ જમાં થશે. દિવાળીના તહેવારો નજીક આવી રહ્યાં છે ત્યારે બેંકોમાં સળંગ રજાઓ આવતી હોવાથી નાણાંકીય વ્યવહારો વેરવિખેર થવાની સંભાવના છે. બીજી તરફ બેંકોમાં મીનીવેકેશન જેવો માહોલ સર્જાશે. આવા સંજોગોમાં વેપાર -ઉધોગ જગતને વ્યાપક અસર થશે. બેંકોમાં સીટીએસ સિસ્ટમ અમલમાં હોવાથી સામાન્ય દિવસોમાં ત્રણેક દિવસ ચેક કિલયર થતાં લાગે છે આવા સંજોગોમાં એટીએમ ઉપર ભારણ વધશે. ગ્રાહકોએ તા. ૩૦મી સુધીમાં પોતાના નાણાંકીય વ્યવહારો પૂર્ણ કરી દેવા પડશે ત્યાર બાદ તા. ૭થી બેંક રાબેતા મુજબ ધમધમતી થઇ જશે.

વેબદુનિયા પર વાંચો