બટાટાનું વાવેતર કરનાર ખેડૂતોમાં હરખ છવાયો

શુક્રવાર, 29 માર્ચ 2013 (16:19 IST)
P.R
બટાટાનગરી તરીકે ઓળખાતા અને સમગ્ર એશિયા ખંડમાં બટાટાના ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવતા ડીસા પંથકમાં આ વર્ષે પણ બટાટાનું બમ્પર ઉત્પાદન થવા પામ્યું છે. ત્યારે બટાટાના ભાવમાં ઓચિંતો વધારો થઇ મણ દીઠ રૂ. ૨૦૦ થઇ જતા બટાટાનું વાવેતર કરનાર ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઇ જવા પામ્યો છે.

સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકાની ખેતી નંબર વન ગણાય છે. છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો આધુનિક ખેતી તરફ વળ્યા છે. સરકાર દ્વારા આપતી કૃષિ વિષયક સબસીડીઓ અને માર્ગદર્શક શિબિરોનો ડીસાના ખેડૂતો પૂરતો લાભ લે છે. જેના પરિણામ પણ મળવા શરૂ થયા છે ત્યારે ડીસા તાલુકામાં આ વર્ષે પણ ખેડૂતોએ વિવિધ જાતના બટાકાની ખેતી કરી હતી. ડીસાના બટાટાની વિદેશી કંપનીઓમાં પણ માંગ રહે છે અને ગુજરાત બહાર પણ ડીસાના બટાકા જાય છે. જોકે ખેડૂતોને પુરતા પ્રમાણમાં ભાવ ન મળતા હોવાનો બળાપો ખેડૂતો કરતા હતા. ભાવ એકદમ ઠપ્પ થઇ જતા એક સમયે ખેડૂતોએ હજારો મણ બટાટા જાહેર રોડ પર ફેંકી દીધા હતા. ત્યારે વર્તમાન સમયમાં બટાટાનો ભાવ એકદમ વધી જતા ખેડૂતોમાં આનંદનો માહોલ છવાઇ જવા પામ્યો છે. બિહાર, પંજાબ, ઉત્તરપ્રદેશ સહિતના વિસ્તારોમાં આ વખતે ભારે વરસાદના કારણે બટાટાના પંથકમાં ભારે નુકસાન થવા પામ્યુ હતું. એટલે ડીસામાં બટાટાના ભાવમાં એકાએક વધારો થઇ જવા પામ્યો છે. મણદીઠ રૂ.૨૦૦ થઇ જતાં ખેડૂતોમાં આનંદનો માહોલ છવાયો છે અને પોતાને પૂરેપૂરું વળતર મળવાની આશા સેવાઇ રહી છે. બટાટાના ભાવ વધતા ખેડૂતોએ પોતાના બટાટા વેચવાનું શરૂ કરી દીધું છે. જેના કારણે માર્ગ પર ટ્રકોની કતારો જોવા મળી રહી છે. વળી ડીસાના ખેડૂતો વેફર બનાવતી કંપનીઓની માંગ મુજબ લાલ બટાટાનું વાવેતર પણ છેલ્લા કેટલાક વર્ષોથી કરવા લાગ્યા છે. બટાટાના ભાવ વધતાં જ ખેડૂતો માલામાલ થઇ જશે તેવું જણાઇ રહ્યું છે.

વેબદુનિયા પર વાંચો