બજેટ 2012-13 : સામાન્ય માણસના ખિસ્સા પર પ્રણવની કાતર

શુક્રવાર, 16 માર્ચ 2012 (14:17 IST)
P.R
આ વખતે બજેટમાં સામાન્ય માણસના ગજવા ઉપર પ્રણવ મુખર્જીની કાતર ફરી વળી છે. નાણા પ્રધાન મુખર્જીએ ટેક્સમાં તો મામૂલી છૂટ આપી છે, પરંતુ સર્વિસ ટેક્સ 2 ટકા વધારીને સામાન્ય માણસના ગજવામાંથી અદ્વશ્ય હાથે પૈસા કાઢી લીધા છે.

ઈકોનોમીમા સુધારો હોવા છતાં સફળતા નહીં મળી હોવાનો એકરાર કર્યા બાદ પ્રણવે જણાવ્યું હતું કે હવે કડક નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. આ વખતે પ્રણવ પોતની 'બેગ'માં શું શું લઈને આવ્યાં હતા? આવો તમને બતાવીએ...


તમારું ખિસ્સું ક્યાં કપાયું?

સર્વિસ ટેક્સ 2 ટકા વધ્યોઃ બજેટમાં સર્વિસ ટેક્સ 2 ટકા વધારાયો છે. હવે તે 10 ટકાથી વધીને 12 ટકા થઈ ગયો છે. આને લીધે બેંક ડ્રાફ્ટ, ફોન બિલ, સાઇકલ, ટીવી, ઘડિયાળ, મોટી કાર, કૂરિયર, હોટેલમાં ભોજન, હવાઈ મુસાફરી, પાર્લર સર્વિસ વગેરે મોંઘા બનશે.

ક્યાં મળી થોડી રાહત?

ટેક્સમાં છૂટની લોલિપોપઃ નાણાપ્રધાને આવકવેરાની મુક્તિની મર્યાદા વધારીને રૂ. 2 લાખ કરી દીધી છે. ટેક્સ સ્લેબ પણ બદલાયો છે. હવે રૂ. 2 લાખ સુધીની આવક ઉપર કોઈ પ્રકારનો કર લાગશે નહીં.

રૂ. 2 લાખથી રૂ. 5 લાખ સુધીની આવક ઉપર 10 ટકાના દરે, રૂ. 5 લાખથી રૂ. 10 લાખ સુધીની આવક ઉપર 20 ટકાના દરે અને રૂ. 10 લાખથી ઉપરની આવક ઉપર 30 ટકાના દરે કર ચૂકવવો પડશે.

વાર્ષિક રૂ. 1.80 થી રૂ. 8 લાખ સુધી કમાનારા લોકોને વર્ષે વધુમાં વધુ રૂ. 2 હજારનો ફાયદો થશે. રૂ. 10 લાખ અથવા તેથી વધુ કમાનારાઓને વધુમાં વધુ રૂ. 22,660નો ફાયદો થશે.


શેરબજારના રોકાણકારો માટે ભેટ...

રૂ. 10 લાખ સુધીની આવક ધરાવતા લોકો માટે રાજીવ ગાંધી ઇક્વિટી યોજના શરૂ કરાશે. આ યોજનામાં શેરબજારમાં વધુમાં વધુ રૂ. 50 હજાર સુધીના રોકાણ પર 50 ટકાની છૂટ મળશે. આ યોજનામાં 3 વર્ષનો લોક-ઇન ગાળો રહેશે. 10 ટકા ટેક્સ દેનારા લોકોને 2.5થી લઈ 7 હજારનો ફાયદો થશે.

વેબદુનિયા પર વાંચો