બજેટનાં કામો જલ્દી પૂરા કરવામાં થાય છે ગડબડ ગોટાળા

મંગળવાર, 12 જાન્યુઆરી 2016 (16:55 IST)
રાજ્યમાં વર્ષ ૨૦૧૬-૧૭ના વર્ષનું અંદાજપત્ર વિધાનસભામાં આવતા મહિને રજૂ થશે ત્યારે ચાલુ વર્ષના બજેટમાં ફાળવાયેલી રકમનાં કામો માટે ઉતાવળે અને આડેધડ મંજૂરી આપવાને લીધે ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદો ઊઠી છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગો માટે ચાલુ નાણાકીય વર્ષમાં વિકાસ અને પ્રજાલક્ષી કાર્યો માટે કરાયેલી નાણાકીય જોગવાઈમાંથી માત્ર ૪૨ ટકાનો ખર્ચ થયો હોવાથી સરકારે આ ફાળવણીની ટકાવારી ૬૦ ટકા સુધી લઈ જવાના આદેશ જારી કર્યા છે. સરકારના આદેશને પગલે માર્ગ અને મકાન, સિંચાઈ આરોગ્ય. ગ્રામવિકાસ અને કૃષિ સહિતના વિભાગોમાં છેલ્લા એક સપ્તાહથી પડતર કામોની ફાઈલો આડેધડ મંજૂર કરવામાં આવી રહી છે. આ મંજૂરીમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાનું સચિવાલયના અધિકારીઓ અને કર્મચારીઓમાં ચર્ચાઈ રહ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૧૬-૧૭નું અંદાજપત્ર વિધાનસભામાં આવતા મહિને ફેબ્રુઆરીમાં રજૂ થશે. નાણાં વિભાગ દ્વારા હાલ અંદાજપત્ર તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે ચાલુ વર્ષે ૨૦૧૫-૧૬ના બજેટમાં ફાળવાયેલી રકમમાંથી વિવિધ વિભાગોએ કેટલો ખર્ચ કર્યો અને કેટલાં વિકાસનાં કામો કર્યા તેની સમીક્ષા કરાતાં માત્ર ૪૨ ટકા રકમ ખર્ચાઈ હોવાની વિગતો જાણવા મળી હતી. આથી મુખ્ય પ્રધાન સ્તરેથી તાત્કાલિક તમામ વિભાગોને આગામી બજેટ પહેલા નિશ્ર્ચિત નાણાકીય જોગવાઈમાંથી ઓછામાં ઓછી ૬૦ ટકા સુધીની રકમ ખર્ચવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પરિણામે પ્રજા સાથે સંકળાયેલા તમામ વિભાગોની પેન્ડિંગ ફાઈલોને ધડાધડ મંજૂરી આપવામાં આવી રહી છે જેનો મોટા ભાગના વિભાગો ગેરલાભ ઉઠાવી રહ્યા છે જેમાં કેટલાંક કામોમાં કોન્ટ્રાક્ટરોની સાઠગાંઠ હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. અગાઉ વિવિધ વિભાગો માટે કરાયેલી નાણાકીય જોગવાઈની દર ત્રણ મહિને સમીક્ષા કરવામાં આવતી હતી અને ખર્ચને આધારે વધુ રકમની ફાળવણી કરવામાં આવતી હતી, પરંતુ વર્ષ ૨૦૧૩ બાદ સરકારમાં આ પદ્ધતિ બંધ થઈ ગઈ છે અને અગાઉની જેમ જે તે નાણાકીય વર્ષ પૂરું થવાના ત્રણ મહિના પહેલા એટલે કે જાન્યુઆરીથી માર્ચ મહિના સુધીમાં ન ખર્ચાયેલાં નાણાં એક સાથે ખર્ચવાની પદ્ધતિ પુન: ચાલુ થઈ ગઈ છે તેના લીધે ભ્રષ્ટાચારમાં પણ વધારો થયો હોવાની ચર્ચા જાગી છે.

વેબદુનિયા પર વાંચો